Page Views: 6986

ચેમ્બર દ્વારા આયોજીત સ્પાર્કલનું સમાપન- દેશ વિદેશના બાયર્સનો જબ્બર પ્રતિસાદ

દેશ–વિદેશમાંથી ૭૪૪૦ જેટલા બાયર્સે મુલાકાત લેતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળવાની આશા

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે સમાપન થયું હતું.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ત્રિદિવસીય એકઝીબીશનમાં દેશભરના વિવિધ ખૂણેથી બાયર્સે સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ભારતના જ નહીં પણ આ વખતે અમેરિકા, દુબઇ, સાઉથ આફ્રિકા અને નેપાળ ખાતેથી પણ બાયર્સ સ્પાર્કલની મુલાકાતે આવતા એકઝીબીટર્સને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી તેઓએ અત્યારથી જ આગામી વર્ષે પણ બીટુબીના ધોરણે જ આયોજનમાં સહભાગી થવાની તૈયારી દર્શાવી હતી. આજે પ્રદર્શનના અંતિમ દિવસે પણ ૧ર૯૦ જેટલા બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આમ ત્રણ દિવસ દરમિયાન કુલ ૭૪૪૦ એકચ્યુલ બાયર્સે એકઝીબીશનની મુલાકાત લેતા એકઝીબીટર્સને ખૂબ જ સારો બિઝનેસ મળવાની આશા એકઝીબીટર્સ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે દેશના મુખ્ય શહેરો જેવા

કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકટ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકો તથા બાયર્સે સુરત સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ સર્વે બાયર્સને બિઝનેસ માટે હેન્ડમેડ, લાઇટવેટ, ટેમ્પલ, કલોઝસેટીંગ, વેસ્ટર્ન અને બ્રાઇડલ જેવી તમામ પ્રકારની જવેલરી આ પ્રદર્શનમાં મળી રહી હતી.