Page Views: 159598

નારાજ નીતિન નવાજૂની કરશે કે ઘી ના ઠામમાં ઘી પડશે...

અમિત શાહ અને જેટલી સક્રિય થયા- ભૂપેન્દ્ર યાદવ દૂત બનીને આવશે

સુરત-30-12-2017

રાજ્યમાં માંડ માંડ સત્તા મેળવ્યા બાદ મંત્રી મંડળની રચના થઇ ત્યારથી જ મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પોતાની અવગણના કરવામાં આવી રહ્યાનું માનીને નારાજ થયા છે. તેમને ઇચ્છા પ્રમાણેનું મુખ્યમંત્રી પદ ન મળ્યું હોવાની વેદનાથી તેઓ છેલ્લા દોઢ વર્ષથી પિડાઇ રહ્યા છે ત્યારે નવી બનેલી સરકારમાં તેમની પાસેથી નાણા મંત્રાલય, પેટ્રો કેમિકલ્સ અને જાહેર બાંધકામ જેવા મહત્વના ખાતાઓ છીનવીને તેમને કોરાણે મુકી દેવાયા હોવાની લાગણી તેઓ અનુભવી રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી કોપ ભવનમાં જતા રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બગાવતના મુડમાં હોય એવુ લાગી રહ્યુ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કંઇ પણ કહેવાને બદલે સતત અમિત શાહના સંપર્કમાં છે અને નારાજ નાયબ મુખ્યમંત્રીને મનાવવા માટે શું કરી શકાય તેની ગડમથલમાં છે. આજે સવારથી શરૂ થયેલા ભાજપના આ નવા તિકડમમાં ભૂપેન્દ્ર યાદવને મધ્યસ્થી કરીને સ્થિતિ રાબેતા મુજબની કરવા માટે ભાજપ મોવડી મંડળ તેમને સાંજ સુધીમાં ગાંધીનગર મોકલે એવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ગઇ સાંજે નીતિન પટેલે આનંદીબેન પટેલ સાથે ટેલિફોનીક વાતચિત કરીને તેમનું પણ માર્ગદર્શન મેળવ્યું છે.

ભાજપના એક ટોચના નેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં પ્રદેશ ભાજપમાં પ્રવાહી સ્થિતિ છે અને તેના માટે આર એસ એસના અગ્રણીઓના માધ્યમથી પણ સમાધાનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મંત્રી મંડળમાં ખાતાઓની ફાળવણી કરવામાં જે પ્રકારે હોબાળો થયો હતો ત્યારથી જ નીતિન પટેલ સહિત 15 જેટલા ધારાસભ્યોની નારાજગી સામે આવી છે ત્યારે હવે નીતિન પટેલ ખુલ્લે આમ પોતાની અવગણના થઇ છે અને અનુભવ તેમજ શક્તિ પ્રમાણે પોતાને પદ નથી મળ્યું એવી લાગણીથી પીડાઇ રહ્યા હોવાથી જોવાનું એ રહેશે કે ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે અને ઘી ના ઠામમાં ઘી પડી રહેશે કે પછી નીતિન પટેલ કંઇક નવા જૂની કરશે.