Page Views: 34430

આવતી કાલે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે છે ત્યારે વાંચો વિભૂતિ દેસાઇ ઘાંસવાલાની વાર્તા- વરસાદી સાંજ

હીંચકે ઝૂલતા ઝૂલતા હીના ભૂતકાળમાં સરી પડી

વરસાદી સાંજ

 

વર્તમાનન્યૂઝ.કોમ- વિભૂતિ દેસાઇ ઘાંસવાલા દ્વારા- સંકલન- નૂતન તુષાર કોઠારી

        ફાર્મ હાઉસમાં ઓટલા ઉપર હીંચકે ઝૂલતાં ઝૂલતાં હીના, ઝરમર ઝરમર વરસતાં વરસાદની મજા લઈ રહી હતી.વરસાદ ધીમે ધીમે ઝરમરમાંથી ધોધમાર વરસવા લાગ્યો અને હીના પણ ધોધમાર યાદોમાં પલળી રહી અને પહોંચી ગઈ ભૂતકાળમાં.

      કોલેજમાં વર્ષાઋતુ નિમિત્તે 'એક વરસાદી સાંજ'નાં કાર્યક્રમનું આયોજન થયેલું.પોતે પણ ભાગ લીધેલો.રોહનનાં ગીત પર સતત ત્રણ મિનિટ સુધી તાળીઓ પડતી રહી ત્યારે પોતે થોડી નર્વસ થઈ ગયેલી.

      પોતાનો વારો આવતાં સુધીમાં સ્વસ્થ થઈ વરસાદી પ્રણયગીત રજૂ કર્યું.ગીત શરૂ થતાં જ પ્રેક્ષકો મંત્રમુગ્ધ! ગીત પુરું થાય એ પહેલાં જ તાળીઓ પડવા માંડી, પુરું થતાં જ બધાંએ ઉભા થઈને પાંચ મિનિટ સુધી જોરદાર તાળીઓથી હીનાને પ્રોત્સાહિત કરી.

       પરિણામ આવ્યું, હીના પ્રથમ અને રોહન દ્વિતીય ક્રમે વિજેતા જાહેર થયાં.બંનેએ એકબીજાનું અભિવાદન કર્યું.બસ,આ એક જ મુલાકાતથી શરૂ થયેલો મુલાકાતનો સિલસિલો પ્રેમનાં મીઠાં બંધનમાં બંધાયો.દર વર્ષે વરસાદની ઋતુમાં બંને જણાં મિત્રો સાથે ફરવા નીકળી પડતાં અને મિત્રોની ફરમાઈશથી વરસાદી ગીતોની રમઝટ બોલાતી.

       આતંકવાદી હુમલાનો ભોગ બનેલા રોહનને બ્રેઈન ડેડ જાહેર કર્યો ત્યારે પોતે સ્વસ્થ રહી રોહનનાં અંગોનું દાન કર્યું.રોહન સદેહે હાજર નથી પરંતુ પાંચ વ્યક્તિમાં જીવિત રહ્યો.

       આ પાંચે વ્યક્તિઓએ જ્યારે રોહનના વરસાદી પ્રેમની વાત જાણી એટલે ' એક વરસાદી સાંજ' નું આયોજન કર્યું અને હીના તેમજ રોહનનાં તમામ મિત્રોને ખાસ હાજર રહેવાનું આમંત્રણ આપ્યું.

       હીનાને ‌બધાંની ફરમાઈશ આગળ ઝૂકવું પડ્યું અને મન મૂકીને ગાયું.બસ આ મિત્રોએ દર વર્ષે વરસાદી સાંજ ઉજવવાનું નક્કી કરી હીનાનું જીવન સુખથી છલકાવ્યું.