સુરત-16-04-2018
દરમિયાન માં ભરૂચ માં રહેલા ઈબ્રાહીમ હુસેન મિર્ઝા ને સજા કરવા અકબર જાતે જ ચાલીસ સવારો સાથે વડોદરાથી ગયો અને સરનાલ પાસેના યુદ્ધમાં તેને હરાવી ને ભગાડ્યો. કારણ કે ઈબ્રાહીમ હુસેન મિર્ઝાએ સુરત-ભરૂચ ના ભૂતપૂર્વ જાગીરદાર અને સત્તાવિહોણી સ્થિતિમાં જીવી રહેલા રૂસ્તમખાન રૂમીનો ઘાત કર્યાંના સમાચાર અકબરને મળેલા. વડોદરા પાછા ફર્યા પછી અને સુરત મોકલેલી ટુકડી પાછી વડોદરા આવી પહોચતા સુરતનો કિલ્લો સર કરવા અકબરે નિર્ણય લીધો અને ફરીવાર શાહ કુલીખાં અને સાદિકખાનને લશ્કરી ટુકડી સાથે સુરત મોકલ્યા જેથી કિલ્લામાંથી છટકીને કોઈ નાસી ન જાય. તેમ છતાં સુરત માં રહેલી ઈબ્રાહીમ હુસેન મિર્ઝા ની પત્ની ગુલરુખ બેગમ ( અકબરના કાકા મિર્ઝા કાતરાનની પુત્રી) અને તેનો પુત્ર મુઝફ્ફર હુસેન મિર્ઝા સુરતથી છટકી જવામાં સફળ થયા. મુઘલ ટુકડીએ પચાસ કોસ પીછો કર્યાં છતાં ન પકડાયા. વડોદરાથી અકબરે રાજા ટોડરમલને સુરતનાં કિલ્લાનું નિરિક્ષણ કરવા મોકલ્યો જેથી કિલ્લા ની અંદર જાતાને બહાર આવતા રસ્તાઓ વિશે અહેવાલ રજુ કરે. એક અઠવાડિયા માં પાછા ફરીને ટોડરમલે અહેવાલ આપ્યો કે કિલ્લો ખુબ જ સરળતા થી લઈ શકાય એવો છે. તેમ છતાં કિલ્લો લેવાનું કાર્ય જાતે જ પાર પાડવાનું અકબરે નક્કી કર્યું.
વડોદરા થી સુરત રવાના થતાં પહેલા અકબરે જીતેલા ગુજરાતનાં પ્રદેશનો યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો જેથી મિર્ઝાએ પ્રદેશ માં કોઈ ગરબડ ન ફેલાવી શકે.આ માટે મિર્ઝા અઝીઝ કોકા ઉર્ફે ખાન ઈ આઝમ ને અમદાવાદ હુકમો મોકલ્યા. માળવાનાં સુબાદાર કુત્બુદ્દીન મુહમ્મદખાનને અમદાવાદ જવા અને શેરબેગ તવાસીને માળવાની સુબેદારી સંભાળવાના હુકમો કર્યાં. શાહમખાન જલાઈરને ચાંપાનેર મોકલીને ત્યાંથી કાસીમખાન મીર બહરને શાહી છાવણીમાં બોલાવ્યો. આ કાસીમખાન સુરંગો ફોડવાના કામનો અને કિલ્લા સુધી પહોચવાના ભૂમિમાર્ગો (સાબાત) બનાવવાના કાર્યને નિષ્ણાત હતો. સુરત નો કિલ્લો જીતવા અકબરે કરેલી તૈયારી જોતા કિલ્લા ની મજબૂતાઈનો ખ્યાલ આવે છે. સંપૂર્ણ તૈયારી સાથે અકબરે વડોદરાથી હિ.સ ૯૮૦,શાબાન-૨૫ (૧૫૭૨,ડિસેમ્બર-૩૧) એ પ્રમાણે કર્યું અને રમઝાન મહિના ની સાતમી તારીખે એટલે ઈ.સ૧૫૭૩ ,જાન્યુઆરી -૧૧ મીએ સુરત થી એક કોસ દુર પ્રથમ છાવણી નાખી. ત્રણ દિવસ પછી લશ્કરને ગોપીતળાવ તરફ ખસેડવામાં આવ્યું જેથી કિલ્લા માંથી થતા તોપમારાથી બચી શકાય. અબુલ ફઝલનાં જણાવ્યા પ્રમાણે ગોપીતળાવ અને કિલ્લા વચ્ચેની ભૂમિ ખાડાટેકરાવાળી અને વ્રુક્ષો વળી હતી.મુઘલના ઘેરા સામે સુરતના કિલ્લાના રક્ષકો આશરે દોઢ મહિનો ટકી શક્યા. (ક્રમશ:)
• Share •