Page Views: 84281

સુરત ડાયમંડ એસો. રત્ન કલાકારોની વહારે- 6 હજાર કીટનું વિતરણ

રત્ન કલાકારોના પરિવારને ભોજન મળી રહે તે માટે હીરા ઉદ્યોગના અગ્રણીઓના સૌજન્યથી રાહત સામગ્રી આપવામાં આવી રહી છે

સુરત-7-4-2020

કોરોનાને કારણે સુરત શહેરમાં લોક ડાઉનની સ્થિતિ ઉભી થતાની સાથે જ શહેરના હીરાના તમામ કારખાના અને ઓફીસ સહિત હીરા બજાર બંધ કરી દેવામાં આવી છે. હીરાના કારખાનાઓ બંધ થતા રત્ન કલાકારો બેકાર બન્યા છે અને તેમને બે ટાઇમના ભોજનની પણ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. આવા સંજોગોમાં સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ છોડવડી સહિત જીજેઇપીસી ગુજરાત રીઝ્યનના પ્રમુખ દિનેશ નાવડિયા સહિતના અગ્રણીઓના પ્રયાસથી રત્ન કલાકારોના પરિવારજનો માટે રાહત સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના અગ્રણીઓના સાથ સહકારથી અનાજ, કરિયાણા, દાળ, તેલ, ઘી, કઠોળ સહિતની ચીજ વસ્તુઓની રાહત કીટ બનાવીને અત્યાર સુધીમાં રત્ન કલાકારોના પરિવારોને  સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા કુલ છ હજાર રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે.

આ સિવાય હજુ ચાર હજાર જેટલી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે અને તેનું વિતરણ કરવામાં આવનાર છે. રાહત કીટની સામગ્રીના વિતરણ માટે સુરત ડાયમંડ એસોસીએશનના અન્ય હોદેદારો મંત્રી, બાબુભાઇ વિડિયા, માજી પ્રમુખ બાબુભાઇ ગુજરાતી, ઉપ પ્રમુખ સવજીભાઇ ભરોડિયા, સહ મંત્રી ગૌરવ શેટ્ટી, નંદલાલભાઇ નાકરાણી, ખજાનચી મોહનભાઇ વેકરીયા, સહ ખજાનચી અરવિંદભાઇ હીરપરા સહિત કારોબારીના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.