Page Views: 122000

ઉધનામાં સગીરા પર બળાત્કાર કરનારને આજીવન કેદ

આરોપી પ્રદીપ ભોગ બનનાર સગીરાની માતા સાથે પાવર લુમ્સ યુનિટમાં કામ કરતો હતો

સુરત-29-12-2017

ઉધનામાં રહેતી એક સગીરા ઉપર તેની માતા સાથે કામ કરતા કર્મચારીએ જ બળાત્કાર કર્યો હતો. આ ઘટનાની ગંભીરતા અને સાંયોગીક પુરાવાઓને આધારે કોર્ટે આરોપીને પોસ્કો અને બળાત્કારની કલમો હેઠળ આજીવન કેદ અને દંડ ફટકાર્યો હતો.

વિગતો અનુસાર, કૈલાસ નગર સોસાયટી પાલી ગામ સચીન ખાતે રહેતો પ્રદીપ ઉર્ફે મુની પરમેશ્વર ઉધના વિસ્તારમાં પાવર લુમ્સ યુનિટમાં કામ કરે છે. તેની સાથે ઉધનામાં રહેતી મહિલા કામ કરે છે અને પ્રદીપને આ મહિલાના ઘરે આવવા જવાના સબંધો હતા. ગત તા.23.3.2016ના રોજ પ્રદીપ આ મહિલાના ઘરે ગયો હતો અને તેણે ભોગ બનનાર સગીરાના નાના ભાઇ-બેનને 100 રૂપિયા આપી અને નાસ્તો લેવા માટે એકટીવા આપી મોકલી દીઘા હતા. બાદમાં આ સગીરાની એકલતાનો લાભ લઇ અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ સગીરા ગભરાઇ ગઇ હતી અને તે પોતાના ઘરમાં નાસ્તો કર્યા વગર ઉપર જઇને સુઇ ગઇ હતી. જ્યારે તેની માતા ઘરે આવી ત્યારે તેણે પ્રદીપ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ અંગે વાત કરી હતી અને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સરકારી વકીલ દિપેશ દવેની દલીલો ગ્રાહ્ય રાખી અને આરોપી પ્રદીપ ઉર્ફે મુની પરમેશ્વરને બળાત્કારના ગુનામાં આજીવન કેદ, પોસ્કોની કલમ હેઠળ આજીવન કેદ, તેમજ રૂપિયા 30 હજાર દંડ ફટકાર્યો હતો.