Page Views: 107183

સીબીઆઈએ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા

ચિદમ્બરમ તપાસમાં સહકાર ન આપતા હોવાની પણ દલીલ

 

નવી દિલ્હી – 22-8-2019

 INX મિડિયા લાંચ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ નાણાં અને ગૃહ પ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમને આજે  સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. તપાસનીશ એજન્સી સીબીઆઈએ ચિદમ્બરમને પાંચ દિવસ માટે રિમાન્ડ પર રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી છે. સીબીઆઈ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ  કોર્ટમાં દલીલ કરી હતી. એમણે ચિદમ્બરમને પૂછપરછ કરવા માટે પાંચ દિવસ કસ્ટડીમાં રિમાન્ડ પર લેવાની સ્પેશિયલ જજ સમક્ષ માગણી રજૂ કરી હતી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પેશિયલ જજને કહ્યું કે સીબીઆઈએ બિન-જામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું હતું અને એના આધારે જ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. તુષાર મહેતાએ કોર્ટને એમ પણ જણાવ્યું કે ચિદમ્બરમ કેસની તપાસમાં સીબીઆઈના અધિકારીઓને સહકાર આપતા નથી. ચૂપ રહેવાનો ચિદમ્બરમનો બંધારણીય અધિકાર છે એ વિશે મારે કોઈ વાંધો નથી, પરંતુ સત્ય છૂપાડવું એય ખોટું છે. એ પૂછપરછમાં સહકાર આપતા નથી. ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા વગર કેસમાં યોગ્ય રીતે તપાસ પૂરી કરવી મુશ્કેલ છે, એવી તુષાર મહેતાએ દલીલ કરી હતી. મેહતાએ કહ્યું કે અમે ચાર્જશીટ ફાઈલ કરવાના આરે આવી ગયા છીએ, પણ ચિદમ્બરમ તપાસ માટે જરૂરી બધા દસ્તાવેજો પૂરા પાડતા નથી. અમુક સવાલોનાં જવાબ હજી એમણે આપ્યા નથી. એ કોઈક રક્ષણ હેઠળ હશે તો એ સવાલના જવાબ અમને મળી શકશે નહીં. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે પોતાની દલીલમાં કહ્યું કે ચિદમ્બરમ પર આરોપ છે કે એમણે FIPB વતી વિદેશી મૂડીરોકાણ માટે મંજૂરી આપેલી, પણ એ મંજૂરી ભારત સરકારના છ વિભાગોના સેક્રેટરીઓએ પણ આપી હતી. એમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં તપાસ પૂરી થઈ ગઈ છે. અન્ય આરોપીઓ – પીટર અને ઈંદ્રાણી મુખરજી ડીફોલ્ટ જામીન પર છે, કાર્તિ ચિદમ્બરમ રેગ્યૂલર જામીન પર છે તો પી. ચિદમ્બરમને પણ જામીન મળવા જોઈએ. સીબીઆઈના તપાસનીશ અધિકારીઓએ ગઈ રાતે અટકમાં લીધા ત્યારબાદ ચિદમ્બરમને INX મિડિયા લાંચ કેસના સંબંધમાં એક ડઝન જેટલા સવારો પૂછ્યા હતા. આજે પણ સવાલોનો મારો આગળ વધારવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ચિદમ્બરમ સીબીઆઈ અધિકારીઓને તપાસમાં સહકાર આપતા નથી. ગઈ રાતે પૂછાયેલા સવાલોનાં જવાબ આપવાને બદલે એમણે સામા સવાલો કર્યા હતા. કોંગ્રેસના સિનિયરમોસ્ટ નેતાએ રાત લોકઅપમાં વિતાવી હતી. રાતે 3 વાગ્યે પાણી પીધું હતું અને સવારે ચા પીધી હતી. સીબીઆઈ એજન્સી ચિદમ્બરમને 14 દિવસ માટે રિમાંડ પર લેવાની સ્પેશિયલ કોર્ટને વિનંતી કરશે. ચિદમ્બરમની ગઈ કાલે રાતે અત્યંત નાટ્યાત્મક સંજોગોમાં એમના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈના અધિકારીઓ ચિદમ્બરમના નિવાસસ્થાને ગયા હતા અને દરવાજો ન ઉઘાડવામાં આવતાં તેઓ દીવાલ કૂદીને અંદર ગયા હતા અને ચિદમ્બરમને અટકમાં લીધા હતા. બાદમાં તેઓ ચિદમ્બરમને કારમાં બેસાડીને સીબીઆઈ મુખ્યાલયમાં લઈ ગયા હતા.