Page Views: 137944

મેરી કોમે કોમનવેલ્થમાં પહેલીવાર ગોલ્ડ જીત્યો,ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનાર નીરજ પહેલો ભારતીય

આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતે કુલ 20 ગોલ્ડ થઈ ગયા છે

             કોમનવેલ્થ ગેમ્સનો ૧૦મો દિવસ ભારત માટે ગોલ્ડન દિવસ બની રહ્યો છે. શનિવારે વહેલી સવારે જ ભારતીય ખેલાડીઓએ ૪ ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવી લીધા છે. સીડબલ્યુજીમાં એક વખત ફરીથી દેશનો તિંરગો લહેરાવતા બોક્સર મેરી કોમે ભારતને વધુ એક ગોલ્ડ અપાવ્યા બાદ અન્ય બે ખેલાડીઓ શૂટર સંજીવ રાજપૂત અને બોક્સર ગૌરવ સોલંકીએ ભારતને બીજા બે ગોલ્ડ અપાવ્યા છે.

               આજે એથ્લેટ વિભાગમાં ભારતે પોતાનો પ્રથમ મેડલ જીત્યો હતો. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં નિરજ ચોપડાએ ૮૬.૪૭ મીટર ભાલો ફેંકી ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. ભાલા ફેંકમાં ભારતના ઇતિહાસમાં પહેલીવાર નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો હતો.નીરજ ચોપરાએ 86.47 મીટર સુધીનો થ્રો કર્યો હતો જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ છે.આ પહેલા આજના દિવસની શરુઆતમાં સ્ટાર બોક્સર મેરી કોમે મહિલાઓના ૪૮ કિલોગ્રામ વર્ગની ફાઈનલમાં આયર્લેન્ડની ક્રિસ્ટીના ગોહારાને ૫-૦થી હરાવી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલ મેરીકોમનો આ પ્રથમ કોમનવેલ્થ મેડલ છે.

              મેરી કોમના ગોલ્ડમેડલ બાદ પુરુષોની ૪૯ કિલોગ્રામ વર્ગ બોક્સિંગમાં અમિતે સિલ્વર મેડલ મેળવ્યો છે. અમિતે ફાઈનલમાં ઈંગ્લેન્ડના ગલાલ યાફી સામે ૩-૧થી હારનો સામનો કરી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. જ્યારે પુરુષોના ૫૨ કિલોગ્રામ વર્ગની ફાઈનલમાં ગૌરવ સોલંકીએ આયર્લેન્ડના બ્રેન્ડન ઈરવીનને ૪-૧થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે ૬૦ કિલોગ્રામ વર્ગમાં મનીષ કૌશિકે ઓસ્ટ્રેલિયાના હૈરી ગારસાઈડ સામે ૩-૨થી હારનો સામનો કરી સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

               આ ઉપરાંત પુરુષોની ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં સંજીવ રાજપુતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેણે ફાઈનલમાં ૫૫૪.૫ પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જ્યારે ૪૪૮.૪ પોઈન્ટ સાથે કેનેડાના ગર્જેગાર્જને સિલ્વર અને ૪૪૧.૨ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડના ડીન બેલેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.શૂટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ગોલ્ડ મેળવ્યો છે જ્યારે ગૌરવ સોલંકીએ બોક્સિંગમાં 52 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેળવી ભારતના ફાળે ગોલ્ડનો આંકડો 20 પર પહોંચાડ્યો છે.