સુરત-(કિરીટ ત્રિવેદી-9173532179)
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોમન ફેસીલીટી સેન્ટર બનવા જઇ રહ્યું છે તેની સામે મંત્રાને પેટમાં ચૂંક આવી હોવાની વાતને લઇને સુરતના કાપડ ઉદ્યોગમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હવે મંત્રાનો વહીવટ કેટલી હદે મંતરાઇ ગયો છે તેની વિગતો પણ સપાટી પર આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની રકમ મોદી સરકારે વ્યાજ સહિત પરત માંગી હોવાનું જાણવા મળે છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ભીષ્મ પિતામહ ગણાતા આદરણીય સ્વ.અરૂણભાઇ જરીવાળાના પ્રયાસોથી વર્ષ 2012માં રાજ્ય સરકાર દ્વારા સુરતની મેન મેઇડ ટેક્સાટઇલ રિસર્ચ એસોસીએશન(મંત્રા)ને રૂપિયા બે કરોડ ગ્રાન્ટ આપવામાં આવી હતી. આ ગ્રાન્ટની રકમમાંથી પીપોદરા ખાતે ફેરડીલ પાર્કમાં ટેક્નિકલ ટેક્સટેક્સટાઇલના ડેવલપમેન્ટ માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવામાં આવનાર હતું. જો કે, જે તે સમયે ફાળવવામાં આવેલી આ રકમમાંથી ફેરડીલ પાર્કમાં ટેક્નિકલ ટેક્સટાઇલ માટેના આ સેન્ટરનો પાયો પણ ખોદાયો ન હતો. આ ગ્રાન્ટની રકમની એફ ડી કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર આવી અને સ્મૃતિ ઇરાની ટેક્સટાઇલ મંત્રી બન્યા ત્યારે ઓડીટ રિપોર્ટમાં તેમના ધ્યાન પર આ બાબત આવી હતી. તેમણે આ અંગેની ઝીણવટ ભરી તપાસ કરાવીને રિપોર્ટ માંગતા મંત્રાની ગેલમંદરાઇની વિગતો સપાટી પર આવી હતી. જેથી ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા મંત્રા પાસેથી આ ગ્રાન્ટની રકમ વ્યાજ સહિત પરત માંગવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સ્વ. અરૂણભાઇએ આ રકમ પરત આપી દેવા વાંરવાર વિનંતી કરી હતી.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના આદરણીય અગ્રણી સ્વ. અરૂણભાઇ જરીવાલા જ્યારે હયાત હતા ત્યારે તેમણે સરકારે ટેક્નિકલ ટેક્સટાઇલના ડેવલપમેન્ટ માટે આપેલા બે કરોડ પરત કરી દેવા વિનમ્ર પણે ભલામણ પણ અન્ય અગ્રણીઓને કરી હતી. પરંતુ તેમની વાતનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો.
• Share •