સુરત-17-4-2018
સતત વિસ્તરી રહેલા સુરત શહેરમાં અદ્યતન કોર્ટ બિલ્ડીંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે અને તેના માટે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ મંત્રી સહિતના તમામ અગ્રણીઓ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આજે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રતિનિધીઓ પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી સહિત આરોગ્ય મંત્રીને સાથે રાખીને મુખ્યમંત્રીને મળ્યા હતા તેમજ સુરતમાં નવા કોર્ટ બિલ્ડીંગ માટે જમીન ફાળવવાની માંગણી કરી હતી.
આ અંગે વિગતો આપતા સુરત જિલ્લા વકીલ મંડળના મંત્રી કમલેશભાઇ ડી. ખુંટે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અદ્યતન કોર્ટ બિલ્ડીંગ બને તેની આવશ્યકતા ઉભી થઇ છે ત્યારે પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી અને એડવોકેટ દર્શીનીબેન કોઠીયા સહિત રાજ્યના મંત્રી કુમારભાઇ કાનાણીને સાથે રાખી અને સુરત જિલ્લા વકીલ મંડળના અગ્રણીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા હતા. મુખ્યંત્રીને રજૂઆત કરવા માટે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ કિરીટભાઇ પાનવાલા વતી ઉપ પ્રમુખ ભરતસિંહ ચાવડા, માજી પ્રમુખ એડવોકેટ જીવરાજભાઇ વસાવા, સ્ટેટ બાર કાઉન્સીલના સભ્યો આર જી શાહ, આર એન પટેલ, હિતેશ પટેલ, જીતુભાઇ ગોળવાળા, માજી કોર્પોરેટર અને એડવોકેટ સમીર બોઘરા, માજી સેક્રેટરી શૈલેશ રાજપૂત સહિતના અગ્રણીઓ ગાંધીનગર ગયા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જણાવ્યું હતું કે, સુરતમાં નવા કોર્ટ બિલ્ડીંગ માટે કુલ એક લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે તે આવશ્યક છે. સુરત શહેરમાં વધતી વસ્તી અને કેસના ભારણ માટે વધારાની કોર્ટો પણ શરૂ કરવાની આવશ્યકતા છે. સુરત જિલ્લા વકીલ મંડળની આ રજૂઆતોને મુખ્યમંત્રીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો છે તેમજ આગામી દિવસોમાં આ મામલે હકારાત્મક કાર્યવાહી કરવા માટેની હૈયા ધરપત આપી છે.
• Share •