Page Views: 201392

પોરબંદર ખાતે લગ્ન જીવન અને છુટાછેડા અંગે નીતા સોજીત્રાનો સેમિનાર યોજાયો

વિચારધારા બદલવા ઇચ્છતા દરેક પહેલા પોતાનામાં બદલાવ લાવે..

સુરત-29-12-2017

 ૨૪ ડિસેમ્બરના મહાત્માગાંધીના જન્મસ્થળે શ્રી પોરબંદર લોહાણા મહાજન અને તેની અંતર્ગત સંસ્થાઓ તેમજ રઘુવંશી સોશ્યલગ્રુપ, જૈન સોશ્યલગ્રુપ તેમજ લાયન્સ પરિવાર પોરબંદરના ઉપક્રમે એક સેમિનારનું આયોજન થયેલું. હાલમાં સળગતા મુદ્દામાંનો એક એટલે  છૂટાછેડા એ વિષય પર જાણીતા લેખીકા, કવિયત્રી, વિચારક અને મોટીવેશનલ સ્પિકર નીતા સોજીત્રા (નીશો)નું વક્તવ્ય રાખવામાં આવ્યુ હતું. પોરબંદરના એસ વી રોડ ગોકાણી વાડી ખાતે ગત રવિવારના રોજ એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્ન જીવન અને તેની સમસ્યાઓ તેમજ સમાજમાં વધતા જતા છુટાછેડાના બનાવોને કઇ રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા નીતા સોજીત્રાએ જણાવ્યું હતું કે, તમામ દંપત્તિએ એક વાત યાદ રાખવાની આવશ્યકતા છે કે,દામ્પત્યજીવનમાં 1+1=2 ...એ સમાધાનની ભાષા છે જે મહદઅંશે કોર્ટમાં થાય છે અને  1+1=11...એ સયુજયની ભાષા છે જે પરસ્પર સમજણથી આવે છે. જ્યારે પતિ પત્ની સુમેળભર્યા વાતાવરણમાં પરિવાર ચલાવવાનો નિર્ણય કરે છે ત્યારે બાહ્ય બાબતોને અવગણી અને માત્ર એક બીજાને માટે નાની મોટી વાતોમાં મોટું મન રાખવાનું શીખવું પડશે. જ્યારે છુટાછેડા થાય છે ત્યારે પતિ પત્નીના થાય છે મા બાપના થતા નથી એ વાત યાદ રાખવી જોઇશે. સમાજમાં આજે ભણતર વધ્યું છે પરંતુ પારિવારીક કેળવણી અને સંયુક્ત પરિવારની ભાવનાનો લોપ થતો જાય છે. એ ક્યાંથી આવશે જ્યારે તમારા ઘરમાં પરણીને આવતી પુત્રવધુ સાસરે આવી છે એવુ નહીં માનીને સાસુ, સસરા, નણંદ, દિયર અને પતિ એવુ સ્વિકારતા થશે કે પુરણીને આવેલી આ યુવતીનું આ ઘર છે સાસરૂ નથી. બીજી તરફ દીકરીના માવતરે પણ તેના સાસરામાં જઇને બિન જરૂરી દખલગીરી કરવી જોઇએ નહીં. દીકરીને સાસરીમાં સ્થિર થવા દેવા માટેના પ્રયાસો કરવા પરંતુ તેની મર્યાદા ક્યાં સુધી રાખવી તેનો વિવેકબુધ્ધીથી ઉપયોગ કરવો જોઇએ. જ્યારે તમે જીવન સાથીની પસંદગી કરો છો ત્યારે એક બીજા દ્વારા અપાતા ગુણ એ બન્ને માટે લાગુ પડે છે એવુ કન્યા અને વર બન્નેએ નક્કી કરવું જોઇએ. જ્યારે પરણીને ઘરમાં આવતી દીકરીની જ જવાબદારી છે કે, તેના માતા પિતાનું ધ્યાન રાખે એવું માનવું નહી અને પોતે પણ જવાબદારી લેવાની છ એ યાદ રાખવું પડશે. દીકરીના માબાપે પણ એક વાત સમજવી જોઇએ કે, તેની દીકરી માટે તેના સાસુ સસરા પણ મા બાપ જ છે અને તેને સાચવવા કેવી રીતે એ જોવાની જવાબદારી હવે તેમની દીકરીની છે એટલે એવી જ વાત તેને કરવી જોઇએ.

સપ્તપદીના સાત વચનોમાં એવા વચનો જ સ્વિકાર કરવાનો કે જે વચન તમે નિભાવી શકતા હો બાકી ખુલ્લા મને એક બીજા સાથે ચર્ચા કરી લેવાની કે, સપ્તપદીના આ વચનોમાં શ્રેષ્ઠ જે વચન છે કે, સપ્તમે સખા ભવ એ એક જ યાદ રાખવાનું છે બાકીના વચનો આપમેળે તેમાં આવી જ જશ. વધુમાં નીતા સોજીત્રાએ એવુ પણ જણાવ્યું હતું કે, સમાજમાં જે વ્યક્તિ બદલાવ લાવવાનું ઇચ્છો છે તેમણે  એક જ વાત સ્વિકારવાની છે કે, તેની શરૂઆત તેમનાથી જ કરવામાં આવે અને પોતાનામાં સુધારો કરે એટલે આપોઆપ સમાજમાં સુધારો થઇ જશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન લોહાણા મહાજન સમાજના પ્રમુખ સંજયભાઇ કારીયા, માનદ મંત્રી રાજેશ લાખાણી, લોહાણા મહિલા મંડળના પ્રમુખ કિરણબેન કક્કડ, રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ મુકેશ શિંગાળા, જૈન સોશ્યલ ગ્રુપના પ્રમુખ જે.જે. શાહ અને લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ મજીઠીયા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં નીતાબેન સોજીત્રાને સ્મૃતિભેટ આપવા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.