Page Views: 120373

વિદ્યાર્થિનીની છેડતી કરનારને ત્રણ વર્ષની કેદ

શાળાએ જતી વિદ્યાર્થિનીને અટકાવી ગણેશ અશોક પાટીલે લાફો માર્યો હતો અને ટ્યુશન ક્લાસીસમાં જઇ હંગામો કર્યો હતો બાદમાં તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો

સુરત-16-8-2019

શહેરના લિંબાયત આસપાસ નગર ખાતે રહેતી એક વિદ્યાર્થિનીને આ વિસ્તારમાં જ રહેતા એક યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે છેડતી કરી હતી. આ મામલે હોબાળો થયા બાદ તેના વિરૂધ્ઘ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી અને ત્રણ વર્ષની સાદી કેદ સાથે દંડ ફટકાર્યો છે.

બનાવની વિગતો અનુસાર, લિંબાયત આસપાસ નગર ખાતે રહેતી એક સોળ વર્ષની વિદ્યાર્થિની પોતાની સાયકલ પર સ્કૂલે જતી હતી ત્યારે આસપાસ નગર ખાતે જ રહેતા ગણેશ અશોક પાટીલ નામના યુવાને તેને અટકાવી હતી. તેમજ પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કર્યું હતું વિદ્યાર્થિનીએ ઇન્કાર કરતા ગણેશે તેને એક લાફો માર્યો હતો. બાદમાં વિદ્યાર્થિની જે સ્થળે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં જઇને પણ હંગામો કર્યો હતો. જેથી ટ્યુશન ક્લાસીસના સર ટીચર વિદ્યાર્થિનીના ઘરે આવ્યા હતા અને તેમણે સમગ્ર બાબતે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ ગણેશના ઘરે જઇ તેને ઠપકો આપ્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગણેશ અશોક પાટીલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં રેકોર્ડ પરના પુરાવાઓ અને સરકારી વકીલ દિગંત તેવારની દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી ગણેશ અશોક પાટીલને તકસીરવાર ઠેરવ્યો હતો. તેમજ ગણેશ અશોક પાટીલને ત્રણ વર્ષની સાદી કેદ તેમજ એક હજાર રૂપિયા દંડ જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.