Page Views: 29771

યુવા ઉદ્યોગ સાહસિકોને વણાટ ઉદ્યોગની સમજ આપવા ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘કન્વેન્શનલ વિવિંગ’ટ્રેનીંગ કોર્સ શરૂ કરાયો

યુકેની યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ઉદ્યોગ સાહસિક સહિતના યુવાઓ કોર્સમાં જોડાયા

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

કાપડ ઉદ્યોગમાં ઝંપલાવનારા ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગનું બેઝીક નોલેજ મળી શકે તે માટે ચેમ્બર દ્વારા ‘ફેબ્રિક આઇડેન્ટીફિકેશન’શોર્ટ ટર્મ કોર્સ શરૂ કર્યા બાદ સમયની માંગ મુજબ ઉદ્યોગ સાહસિકોને વણાટ ઉદ્યોગની ઊંડી સમજ આપી શકાય, ઝીરો ડિફેકટ કવોલિટી ફેબ્રિક બનાવી શકાય તેમજ તેના થકી એકસપોર્ટ વધારી આંતરરાષ્ટ્રીય વેપારનો વ્યાપ વધારી શકાય તેવા ઉમદા હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જી.એફ.આર.આર.સી.) દ્વારા સોમવાર, તા. ૯ ઓગષ્ટ ર૦ર૧થી ચાર મહિનાનો ‘કન્વેન્શનલ વિવિંગ’ ટ્રેનીંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ કોર્સ બાદ ઉદ્યોગ સાહસિકો વિવિંગ પ્રોસેસથી સંપૂર્ણપણે માહિતગાર થશે. જુદા–જુદા યાર્ન તથા ફેબ્રિકસની તેમજ તેની કવોલિટીની ઓળખ સરળતાથી કરી શકશે. પોતાના ઉદ્યોગ – ધંધાને વધુ સારી કવોલિટી પ્રોડકટ્‌સ સાથે આગળ ધપાવી શકશે. ઝીરો ડિફેકટ ફેબ્રિકની સાથે નવી કવોલિટી બનાવી શકશે અને ફેબ્રિકસમાં કવોલિટી પ્રોડકશન માટે જે ખામીઓ ઉભી થાય છે તેના નિવારણ માટે એનાલિસિસ કરી શકશે.

જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કોર્સ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્સ દરમ્યાન યાર્નની જરૂરિયાત, ટવીસ્ટીંગ–વોર્પિંગ–સાઇઝીંગ જેવી પ્રિપરેટરી પ્રોસેસ, ડ્રોઇંગ એન્ડ ડેન્ટીંગ, વિવિંગ મશીન (લૂમ)ના વિવિધ મોશન, લૂમ્સ ઉપર સેટીંગની પદ્ધતિ, મેઇન્ટેનન્સ શેડયુલ અને ફેબ્રિકની ખામી તથા તેના ઉપાયો વિશે ભણાવવામાં આવશે. સાથે જ યાર્ન અને ફેબ્રિકસનો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

ટેકસટાઇલ ટેકનોક્રેટ કિરણ પંડયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો, ફેશન ડિઝાઇનર્સ, વિવર્સ, ટેકસટાઇલ ટ્રેડર્સ અને બ્રોકર્સ માટે આ કોર્સ ખૂબ જ અગત્યનો બની રહેશે. ટેકસટાઇલ જર્નાલિસ્ટ અમરિષ ભટ્ટે કોર્સના ઉદ્‌ઘાટન પ્રસંગનું સંચાલન કર્યું હતું.

કોર્સનો સમયગાળો ચાર મહિનાનો છે અને સોમવારથી બુધવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે પઃ૦૦થી ૭ઃ૦૦ કલાક સુધી નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગ ખાતે ફેકલ્ટી સેજલ પંડયા દ્વારા ભણાવવામાં આવશે.

આ કોર્સમાં યુ.કે.ની યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણીને આવેલા તેમજ સુરતમાં વણાટ ઉદ્યોગમાં ઝંપલાવવા જઇ રહેલા ઉદ્યોગ સાહસિક સહિતના યુવાઓ જોડાયા છે. હજુ પણ કોઇ ઉદ્યોગ સાહસિકો આ કોર્સમાં જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તો તેઓ મોબાઇલ નં. ૭ર૧૧૧૭૩૧૩૧ ઉપર સંપર્ક કરી શકે છે.