Page Views: 106296

અમરેલી-સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા

ઉત્તર ગુજરાતમાં ગત રોજ વીજળી પડતા એક ખેડૂત અને બે ભેંસનું મોત થયું

અમરેલી-વર્તમાનન્યૂઝ.કોમ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજસ્થાન અને પાડોશી દેશ પાકિસ્તાનમાં ગઈકાલે સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હાલ ખાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ સિવાય સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

 આજે સવારથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેના કારણે ખાંભા પંથકમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. હાલ ત્યાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. આ સિવાય અંબાજી અને દાતા વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સાવરકુંડલા, રાજપલા, વીજપડી, ધાડલા, વાવેરામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની ઉ.ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આ સિવાય રાજ્યના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે 30-40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. થરાદ અને વાવ પંથકમાં ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે ઝાપટું પડ્યું હતું. વાવાઝોડા અને ઝાપટાના પગલે નુકસાન થયું હતું. જેમાં એક ખેડૂત પર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ભેંસો પણ મોતને ભેટી હતી.