Page Views: 175034

વડાચૌટાના શ્રી કલ્યાણ પાશ્વનાથ જૈન દેરાસરમાં ચોરી – જૈન સમાજમાં રોષ

બ્લ્યુ શર્ટ પહેરીને આવેલો તસ્કર સીસી ટીવી કેમેરામાં કેદ

સુરત-૫-૫-૨૦૧૮

શહેરના કોટ વિસ્તારમાં આવેલા અતિ પુરાતન એવા જૈન દેરાસરમાં આજે વહેલી સવારે તસ્કર હાથ ફેરો કરીને નાસી છુટ્યો છે. ભગવાનના ઘરેણા સહિતની કિંમતી જણસની ચોરી થતા સમગ્ર જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ભુતકાળમાં પણ જૈન દેરાસરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં શહેર પોલીસ નિષ્ફળ રહી હોવાનું જૈન અગ્રણીઓનું કહેવુ છે. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કોટ વિસ્તારમાં લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વડાચૌટા સ્થિત શ્રી કલ્યાણ પાશ્વનાથ જૈન દેરાસરમાં આજે વહેલી સવારે કોઇ અજાણ્યો તસ્કર કે જેણે બ્લ્યુ કલરનો શર્ટ પહેરેલો છે તે પ્રવેશ્યો હતો. આ તસ્કરે ભગવાન મુળ નાયકનું ખોખું, ગૌતમ સ્વામીની મૂર્તિ, ભગવાન અજીતનાથનો ચાંદીનો મુગટ સહિતની ચીજ વસ્તુની ઉઠાંતરી કરી લીધી હતી. જૈન દેરાસરમાં વહેલી સવારે ત્રાટકેલો આ તસ્કર સિફત પુર્વક પલાયન થઇ ગયો હતો જો કે, સવારના સમયે શ્રાવકો દેરાસરમાં આવતા તેમને કંઇક અજુગતું બન્યું હોય એવુ લાગ્યુ હતું અને ચોરી થયાનો ખ્યાલ આવતા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દેરાસરમાં થયેલી ચોરી અંગે જૈન સમાજના અગ્રણીઓને જાણ થતા તેઓ પણ વડાચૌટા ખાતે દોડી આવ્યા હતા. અગ્રણીઓમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે તેમના મત પ્રમાણે શહેરના જૈન દેરાસરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહેતી નથી. શહેરના ધર્મસ્થાનોમાં જો ભગવાન સલામત ન હોય તો શહેરીજનોની સલામતી કેટલી છે એ પણ એક સવાલ છે. બનાવ અંગે લાલગેટ પોલીસે ગુનો દાખલ કરીને સીસી ટીવી ફુટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા છે.