Page Views: 304284

કબજા રસીદ ધરાવતી શહેરની 117 સોસાયટી એપાર્ટમેન્ટોના દસ્તાવેજની નોંધણી શક્ય બનશે : માજી ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયા

મિલકત ધારકોને સતાવતા વિવિધ દસ મુદાઓમાં પણ રાહત આપવા સરકાર પાસે માંગણી કરવામાં આવી

સુરત-4-5-2018

સુરત શહેર સહિત રાજ્યભરમાં કબજા રસીદવાળી મિલકતોના દસ્તાવેજોની નોંધણી શક્ય બનતી ન હતી. આ અંગે કામરેજના માજી ધારાસભ્ય દ્વારા સતત ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારમાં રજૂઆતો કરી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે આવી મિલકતોના દસ્તાવેજની નોંધણી શક્ય બનશે જો કે, રાજ્ય સરકારને એવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે, અમુક કિસ્સામાં થોડા ફેરફાર કરવામાં આવે તેના સૂચનો પણ કરવામાં આવ્યા છે.

કામરેજના માજી ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં આવેલી કેટલીક રહેણાંકની સોસાયટીઓ અને કેટલાક એપાર્ટમેન્ટોમાં રહેતા ગરીબ કે મધ્યમ વર્ગના લોકોએ જે તે સમયે માત્ર કબજા રસીદના આધારે આવી મિલકતો ખરીદી છે. હાલમાં તેઓ આવા સ્થળે રહે છે પરંતુ તેમના મકાનોના દસ્તાવેજ થઇ શકતા નથી જેના કારણે આવા પરિવારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવે છે. વર્ષ 2015માં જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમણે આ અંગે રાજ્યના મહેસુલ વિભાગમાં તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે આ અંગે રજૂઆતો કરી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલને પણ આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ અંગે હવે એવો નિર્ણય લેવાયો છે કે, કબજા રસીદના આધારે મિલકત ધારકોને દસ્તાવેજ કરી આપવામાં આવશે. સુરત શહેરમાં આ પ્રકારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટની સંખ્યા 154 જેટલી હતી અને તમામ વિગતો ક્લેકટરને આપવામાં આવી હતી. જે પૈકી સુરત શહેરના 117 એપાર્ટમેન્ટ અને સોસાયટીઓના દસ્તાવેજોની નોંધણીની દરખાસ્ત ક્લેક્ટર દ્વારા કરવામાં આવી હતી જેનો રાજ્ય સરકાર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે અને આગામી ટુકા સમયગાળામાં જ આ તમામ મિલકત ધારકો પોતાની કબજા રસીદવાળી મિલક્તોના દસ્તાવેજોની નોંધણી કરાવી શકશે.

વધુમાં પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે તેમાં કેટલાક ફેરફારની આવશ્યકતા છે અને તેના માટેના દસ સૂચનો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે જે પ્રમાણે છે.

1-કટ ઓફ ડેટ 1.1.2000 પહેલાના બાંધકામો છે પરંતુ પુરાવા નથી તથા કબજા કરાર 1.1.2000 પછીના પણ બતાવે છે જેમાં કટ ઓફ ડેટનો સુધારો કરવો જોઇએ.

2-સરકાર દ્વારા જે સોસાયટીની માન્યતા આપેલી હોય તે આખી સોસાયટીમાં કોઇ પણ એક મકાનનો પુરાવો 1.1.2000 પહેલાનો હોય તો પણ આખી સોસાયટીનો પુરાવો માન્ય રાખવો જોઇએ.

3-જાહેરનામું બહાર પડ્યા બાદ દસ દિવસમાં અરજી કરવાની હોવાથી અરજદારો અરજીઓ કરી શક્યા નથી જેથી અરજી કરવાની મુદતમાં વધારો કરવામાં આવે તે આવશ્યક છે.

4-કબજા રસીદો દ્વારા મકાનો ખરીદાયા છે તથા અનેક મકાનના વેચાણની કબજા રસીદ નવી બનાવવામાં આવેલી છે. જેમ કે, એક મકાન બે ત્રણ કબજા રસીદ પર વેચાણ થયેલ હોય તો બે વાર સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવે છે જે હકીકતે એક જ વારની સ્ટેમ્પ ડ્યુટી ગણાવી જોઇએ.

5-એક માળથી વધારે બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ડબલ થાય છે જે સુધારો કરવો.

6-સોસાયટીના કોઇ પણ પ્લેટ પર એક અથવા બે કે ત્રણ માલનું મકાન બનેલ હોય તો માત્ર જગ્યા સ્ક્વેર મીટરને ધ્યાને લઇ સ્ટેમ્પ ડ્યુટી ગણત્રી કરવી જોઇએ.

7-દસ્તાવેજ કરવા માંગણી વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેમને લોનની સુવિધા આવશ્યક છે.

8-સુરત શહેરમાં બાકી રહેલી સોસાયટીઓની પણ ક્લેક્ટર દ્વારા દરખાસ્ત તૈયાર કરાવી રાજ્ય સરકારે મંગાવવી જોઇએ અને જેટલો લાભ વધુમાં વધુ સોસાયટીઓને મળે એવુ આયોજન કરવાની આવશ્યકતા છે.

9-સુરત શહેરમાં 117 સોસાયટીઓ અને એપાર્ટમેન્ટને રાજ્ય સરકારે માન્યતા આપી છે આ તમામ સોસાયટીઓમાં સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી કરાવી આપવામાં આવશે એવા બેનર લગાવવા જોઇએ.

10-દાવેદારની મિલકતની માપણી સર્વેયરો દ્વારા કરી તેમાં ફક્ત ગ્રાઉન્ડમાં કરેલ બાંધકામની માપણી કરી માપણી શીટ આપવામાં આવે છે પરંતુ ઘણા કિસ્સામાં મકાન ઉપર બે થી ત્રણ માળનું બાંધકામ કરવામાં આવેલુ હોય છે જેની માપણી સર્વેયરો દ્વારા કરવામાં આવતી નથી અને કમ્પાઉન્ડીંગ ફીમાં મુશ્કેલી થાય છે જેથી અધિકૃત મહેસુલી અધિકારી આવા કિસ્સામાં ઉપલા માળના બાંધકામના વિસ્તાર નક્કી કરવામાં મુશ્કેલી અનુભવે છે જેથી બાંધકામની માપણી અંગે સર્વેયરને સૂચના આપવામાં આવે એ આવશ્યક છે.