Page Views: 143990

મોદી સરકારની ‘અગ્નિ પરીક્ષા’: આજે રાજ્યસભામાં રજૂ કરાશે તીન તલાક બિલ

ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતિ ન હોવાથી વિપક્ષો સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર આ બિલને પાસ કરાવવા પુરા પ્રયાસ

નવી દિલ્હી:-

          મોદી સરકાર આજે તીન તલાક વિરોધી વિધેયક ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરેજ એક્ટ’ને રાજ્યસભામાં રજૂ કરશે. આ વિધેયકને કોઈપણ જાતના ફેરફાર વગર લોકસભામાં પહેલા જ પસાર કરી દેવામાં આવ્યું છે. હવે રાજ્યસભા પર સૌ કોઈની નજર રહેલી છે. કારણકે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતિ નથી તેથી વિપક્ષો સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર આ બિલને પાસ કરાવવા પુરા પ્રયાસ કરી રહી છે.

            ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, તીન તલાક બિલને લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ‘બન્ને હાથમાં લાડવો’ જેવી છે. જો કેન્દ્ર સરકાર આ બિલને પાસ કરાવવામાં સફળ થશે તો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવાનો કાયદો લાવવાનો શ્રેય ભાજપને મળશે. અને જો વિપક્ષ આ બિલ પસાર થવામાં અવરોધ ઉભો કરશે તો પણ ભાજપને કોઈ નુકસાન નથી કારણકે, આ બિલનો વિરોધ કરનારાઓને ખુલ્લા પાડવાની પણ ભાજપને તક મળશે. જ્યારે સ્વામીને પુછવામાં આવ્યું કે, તીન તલાકને લઈને 3 વર્ષની સજાની જોગવાઈ અંગે તેમનું શું માનવું છે? જવાબમાં સ્વામીએ કહ્યું કે, 3 વર્ષની સજા નહીં પણ 7 વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ. આપને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તે તીન તલાક બિલનો તેઓ વિરોધ નહીં કરે પણ તેમાં સંશોધનની માગ કરશે. સમાજવાદી પાર્ટી પણ આ વિધેયકમાં સંશોધનની માગ કરી રહી છે. જાણીતા વકીલ અને રાજ્યસભાના સાંસદ માજિદ મેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે તીન તલાકનું વિધેયક લાવવામાં ઉતાવળ કરી છે. મજિદ મેમણે જણાવ્યું કે, જો કોઈ મહિલા તેના પતિ પર આરોપ લગાવે કે, તેણે તીન તલાક કહ્યું છે તો, કોઈ પુરાવાના અભાવમાં પણ તેને જેલમાં જવું પડી શકે છે.