Page Views: 114788

સુરીલા કંઠના મલિકા - હેમલતા

હેમલતાએ ૩૮ જેટલી દેશ-વિદેશની ભાષાઓ અને બોલીઓમાં પાંચ હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

પ્રસિદ્ધગાયિકા હેમલતા ૬૫વર્ષના થયાં. ૧૬ ઓગસ્ટ, ૧૯૫૪ના રોજ હૈદ્રાબાદમાં તેમનો જન્મ. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધથી તેઓ ખુબ સફળ ગાયિકા રૂપે બહાર આવ્યાં. હેમલતા શાસ્ત્રીય રીતે તાલીમબદ્ધ ગાયિકા છે અને તેમની પોતાની જ ગાયન શૈલી છે, જેનાથી તેઓ અન્યોથી જુદા પડી ગયાં. તેમણે વિવિધ ભારતીય ફિલ્મો, ક્લાસિકલ કોન્સર્ટ, ટીવી શ્રેણીઓ, સંગીત અલબમમાં પોતાનો અવાજ આપીને યાદગાર ગીતો ગાયા છે. એમના મખમલી અવાજમાં તેઓ સુપેરે ભાવદર્શન કરે છે. હેમલતાએ ૩૮ જેટલી દેશ-વિદેશની ભાષાઓ અને બોલીઓમાં પાંચ હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.

હેમલતાએ તેમના સમયના તમામ મોટા સંગીતકારોની ધૂન પર ગાયું છે. જેમાં રાહુલદેવ બર્મન, મદન મોહન, એન.દત્તા, સલીલ ચૌધરી, ચિત્રગુપ્ત, ખૈયામ, લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી, રાજ કમલ અને મુખ્યત્વે ઉષા ખન્ના અને રવીન્દ્ર જૈનને યાદ કરી શકાય. તેજ રીતે તેમણે પોતાના સમયના તમામ ગાયક-ગાયિકાઓ સાથે પણ ગાયું. જે અભિનેત્રીઓ માટે હેમલતાએ અવાજ આપ્યો તેમાં નૂતન, શબાના આઝમી, રેખા, હેમા માલિની, રામેશ્વરી, યોગિતા બાલી, રંજીતા, સારિકા કે માધુરી દીક્ષિતને યાદ કરી શકાય.

હૈદરાબાદમાં રૂઢીચુસ્ત મારવાડી બ્રાહ્મણના રાજસ્થાની પરિવારમાં જન્મેલા હેમલતાનું લગ્ન પહેલાનું નામ લતા ભટ્ટ હતું, તેમનું બાળપણ કોલકાતામાં વીત્યું. માત્ર ૧૩ વર્ષની ઉમરે તો તેમણે ફિલ્મો માટે ગાવાનું શરુ કર્યું હતું. તેમના પિતાજી પંડિત જયચંદ ભટ્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાના ગાયક, સંગીતકાર, શિક્ષક હતા, જેમણે શાસ્ત્રીય અને લોક સંગીતમાં ઘણું ઘણું કર્યું છે. લાહોરના કિરાણા ઘરાનાના તેઓ માનવંત સંગીતકાર હતા. તેથી જ બાળપણથી હેમલતાને પણ ગાવું ગમતું પણ પિતાજી તેમને એટલા માટે પ્રોત્સાહન નહોતા આપતા કે દીકરી ફિલ્મો માટે ગાય તે તેમને પસંદ નહોતું. એ કારણે હેમલતાએ સંગીત શીખવાની તૈયારી પણ નહોતી બતાવી પણ નિયતિએ કંઇક જુદું જ ધાર્યું હતું.

હેમલતા સાતેક વર્ષના હતા ત્યારે પિતાજીના શિષ્ય ગોપાલ મલ્લિકે હેમલતાનો અવાજ પારખીને તેમને મોટી સંખ્યાના પ્રેક્ષકો સમક્ષ કોલકાતાના રબીન્દ્ર સ્ટેડીયમમાં દિગ્ગજ ગાયકો સામે રજુ કર્યા. નાની હેમલતાએ ‘જાગો મોહન પ્યારે’ ગાઈને લોકોનું દિલ જીતી લીધું. એ ગીત ચાર વાર વન્સમોર થયું, એકાદ ગીત માટે આવેલી હેમલતા પાસે લોકોએ બાર ગીતો ગવડાવ્યા. બસ, હવે શું? પિતાજી નાની લતાનું કૌશલ્ય સમજયા અને મુંબઈ લઇ જવા રાજી થયા. મુંબઈમાં ‘રોશન નાઈટ’ માટે ૧૯૬૭ માં ષણમુખાનંદ હોલમાં હેમલતાએ ગાયું, જ્યાં મોટા મોટા સંગીતકારો હાજર હતાં. ૧૪ વર્ષની ઉમરે ખૈયામના સંગીતમાં હેમલતાએ ગઝલનું આલબમ ગાયું. પછી તો દિગ્ગજ સંગીતકારોએ તેમની પાસે ગવડાવ્યું. યસુ દાસ જેવા ગાયક સાથે હેમલતાના સૌથી વધુ ગીતો છે. પછી તો ટીવી શ્રેણીઓ માટે પણ તેમણે ગાયું.

હેમલતાને ‘ચિત્તચોર’ ના ‘તું જો મેરે સુર મેં’ માટે શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. પછી પણ સતત ચાર વાર - સુન કે તેરી પુકાર – ફકીરા, અખિયોં કે ઝરોખો સે – શીર્ષક ગીત, મેઘા ઓ રે મેઘા – સુનયના  અને તુ ઇસ તરહા સે મેરી ઝીન્દગી મેં – આપ તો ઐસે ન થે ગીતો માટે તેમને શ્રેષ્ઠ ગાયિકાનું ફિલ્મફેર નોમીનેશન મળ્યું.બસ, તેઓ ગાતા જ રહ્યાંઅને જમાનો સાંભળતો રહ્યો. એમની ‘દોહાવલી’ તો યાદ છેને?

હેમલતાના ટોપ ટેન ગીતો: જબ દીપ જલે આના, લે તો આયે હો હમે સપને, ભીગા ભીગા મૌસમ આયા, તુ જો મેરે સુર મેં, જોગી જી ધીરે ધીરે, કઈ દિન સે મુઝે, ગુંજા રે ચંદન, સુનકે તેરી પુકાર, તુ ઇસ તરહા સે, લે ચલ મેરે જીવન સાથી.