Page Views: 197777

એક આત્મબળ અમારું દુઃખ માત્ર દવા છે, હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના,

રૂક જાના નહિ તું કહી હાર કે ..... કાંટો સે મિલેંગે સાયે બહાર કે.....!

જય વસાવડા

 

 

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,

થોડા અમે મુંજાઈ મનમાં, મરી જવાના!

કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?

દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.

 એક આત્મબળ અમારું દુઃખ માત્ર દવા છે.

હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના,

સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ!

દીપક નથી અમે કે ઠર્યા ઠરી જવાના.

અય કાળ, કઈ નથી ભય, તું થાય તે કરી લે

ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના?

 

        વિશ્વની અદભુત ફિલ્મો માની એક ‘ગોન વિથ ધ વિન્ડ’ એ મૂળ તો નવલકથા પરથી બની છે. આખી કથા નાયિકા સ્કારલેટ ઓ’કારાના જીવન સંઘર્ષ નું નિરૂપણ છે. જિંદગીના, સંબંધો, કારકિર્દીના, પ્રેમના, યુધ્ધના જાતભાતના પડકારોમાંથી એ પસાર થાય છે. તૂટે છે. ભાંગે છે. ઝઝૂમે છે. ફરી પછી બેઠી થાય છે. એ ક્યારેય પગ વાળીને ચેનથી બેસી શકતી નથી. અનેક આફતો સામે ઝીંક ઝીલતી સ્કારલેટ સામે કથાના અંતિમ અધ્યાયમાં પણ એક પડકાર આવે છે, અને એ જરા ચુપચાપ બેસે છે, અને પછી અમૃત ઘાયલની ઝીંદાદિલ કવિતા જેવું જ એક અદભુત ક્વોટ બોલે છે. છાતીમાં છુંદણું કરાવીને આજીવન કોતરી રાખવા જેવું પરમ સત્ય :

‘ આફ્ટર ઓલ, ટુમોરો ઈઝ ધ અનધર ડે!’

        યસ, ગઈકાલ ગુજરતી હોય છે. પણ આવતીકાલ કદી મરતી નથી હોતી! આજે જે થયું તે, જેમ થયું તે. બહુ ખરાબ દિવસ હતો. દુઃખના ડુંગર તૂટી પડ્યા. બધા પાસા અવળા પડ્યા, મમ્મી-પપ્પા ખીજાયા. લવરે રૂસણું લીધું. કોન્ટ્રાકટ રદ થયો. માલ વેચાયા વિના પડ્યો રહ્યો. મૂડ ઓફ થઇ ગયો. તબિયત ખરાબ થઇ ગઈ. પરિક્ષાનુ પેપર નબળું ગયું. શેરી-કુટુંબમાં કોઈએ કડવા વેણ કહીને મજાક કરી. બાઈક સ્કુટર નો એક્સિડન્ટ થયો. ખિસ્સા માંથી પાકીટ ચોરાઈ ગયું. નોકરીમાંથી રૂખસદ મળી.

        ધ લીસ્ટ ઈઝ એન્ડલેસ, એઝ લાઈફ ઈઝ પરમેનન્ટ ટ્રેજડી! એટલે તો હેપીનેસ કે હાસ. આટલા બધા અણમોલ છે! ન ગમતી, ન ફાવતી ,નુકશાન કરતી, ચિંતા પેદા કરતી કઈ પણ બાબત બની શકે છે. સો વ્હોટ? આજ આપણી ન હતી. આવતીકાલ તો આપણી હશે ને! હોઈ શકે ને. ફરી સુર્યાસ્ત સમયે થયું, આજે ગઈકાલનું પુનરાવર્તન થયું.... કુછ ફિકર નહિ, આવતીકાલે કશુંક જુદું થઇ શકે છે. કારણ કે કોઈ બે દિવસ એકસરખા હોતા નથી. સુખના પણ નહિ, દુઃખ ના પણ નહિ! દિવસ જુદો, ઘટના જુદી, નવી આશા, નવી મહેનત, નવી હિંમત !

        યુ નો વ્હોટ? આપણે વારતહેવારે જાતભાતની રાષ્ટ્રીય સમસ્યાઓની ચર્ચા કરીએ છીએ. અડોઅડ બેઠેલા છોકરા છોકરી પણ જાણે એ હિપેટાઈટિસ બીના જીવાણું-વિષાણું હોય એમ સંસ્કારનું પેસ્ટીસાઈડ લઈને તૂટી પડીએ છીએ. જોર શોરથી બુમબરાડા પાડીને ભગવાન પણ કાચી નીંદરમાંથી ઉઠીને અકળાઈ જાય એવી ટોળાબધ્ધ પ્રાથના કરીએ છીએ. પણ એ જાણતા નથી કે જગતમાં સૌથી વધુ ટીનએજર્સ યુવક-યુવતી આપઘાત કરતા હોય એવો એક દેશ ભારત છે ! યસ, યુથ સ્યુસાઈડ રેશિયો ઇન ઇન્ડિયા ઈઝ અલાર્મિગલી હાઈ !

        બધા જ બૌધિકો અને તમામ રાજકારણીઓ ગરીબ કિસાનોના આપઘાતની ખોખલી ચિંતા પ્રગટ કરશે. પણ કોઈનું યુવાનોના આપઘાતથી પેટનું પાણી નહિ હલે ! એ માટેના ‘પેકેજ’ ની ઘોષણા નહિ થાય ! ઉગીને ઉભા થતાં, અપરંપાર સંભાવનાઓનો ઝળહળાટ ઝીલતા માસુમોના સપનાની રાખ થઇ જાય, ત્યારે કોઈની છાતીમાં ઉભો શેરડો પણ ન પડે? 

        કેમ આવું થાય છે? ટપોટપ યુવા પેઢી ને – જે ઉંમરે શક્તિ, ગતિ, સ્ફૂર્તિ મહત્તમ હોય, વીતેલા વર્ષો કરતાં આવનારા વર્ષોની સંખ્યા વધુ હોય – ત્યારે જીવવાનો ઉમંગ છોડીને મારવાનું મન કેમ થઇ જાય છે?

        કારણ કે, આ યંગસ્ટર્સ ની જમાત સંવેદનશીલ છે. હજુ વડીલો જેવી દંભી લુચ્ચાઈ અને નીંભર ડઠ્ઠરતા એમનામાં આવી નથી. હજુ મેઘધનુષ્ય પર ચાલવામાં ખ્વાબ ને હકીકત માનીને એ લોક પતંગિયાનો પીછો કરી શકે છે. અને આપણે અમને જેટલો જીન્સ કે સેલફોન અપાવ્યા છે, એટલી વાસ્તવિક વિચારશીલતા આપી શક્યા નથી. એમને જેટલો ડાન્સ આવડે છે, એટલો ચાન્સ લેતા આવડતું નથી. માટે હતાશા ઝટપટ એમના દિમાગ પર વેલ બનીને વીંટાઈ વળે છે. બસ, એટલે જ પરિક્ષામ જરાક નબળું પેપર જાય, કે તરત એમના મનમાં આશંકા ઉઠે છે, લોકો શું કહશે? ઘરમાં બધાની અપેક્ષાઓનુ શું થશે? ગામમાં શું મો બતાવીશ ? ટેન્શન ટેન્શન ટેન્શન.

        ડોન્ટ વરી. બી હેપી. જેમ જેમ મોટા થશો, એમ સમજાતું જશે, કે લોકો ક્યારેય કશું ય કહેતા નથી. નિકટ સ્વજનો સિવાયના બાકીના લોકો વખાણ કરે તો ફુલાઈ ન જવું, અને ટીકા કરે તો વીલાઈ ન જવું ! કારણ કે એ બધા એમના અભિપ્રાયો છે, આપણા માટે ના સત્યો નહિ. જે કોઈ પરિક્ષાના પરિણામ અંગે અફસોસ પ્રગટ કરે, એ કઈ એક વરસ પોતાની ઘેર જમાડવાના છે? જે કોઈ પોતાના ‘ચેમ્પિયન’ સંતાનોને હવાલો આપીને તમને ‘નીચાજોણું’ કરાવે એ શું ઈશ્વર છે કે વર્ષો સુધી તમે ઠોઠ, અને હોશિયાર જ રહશે, તેનું ભાવી ભાખી શકે?

        લેટ્સ લર્ન ધિસ કરિકયુલમ ઓફ લાઈફ. નિષ્ફળતા હમેશા એક ઘટના હોય છે, કાયમી પરિસ્થિતિ નહિ ! તમે ફરીથી કોઈપણ ક્ષેત્રમાં સારો દેખાવ કરીને, દાંત કચકચાવીને સમાજના ઉપહાસનો બદલો હસતા મોઢે લઇ શકશો. રડતા રડતા મારી જશો, તો નિષ્ફળતાનો કપાળે ચોટેલો ‘ટેમ્પરરી’ સ્ટેમ્પ પરમેનેન્ટ બની જશે. જો સરેઆમ નિષ્ફળતા પછી અમિતાભ બચ્ચને રેલવેના પાટા નીચે ઝુકાવ્યું હોત, તો એની અંજલિઓમાં પાછળથી ‘ફેઈલ’ એકટર સ્ટાર એવું લખાત. પણ એ લડતો રહ્યો, અને આજે કેબીસી પછી એની સજ્જતાના જોરે પણ એણે સફળતા મેળવી.

        ધેટ્સ ધ પોઈન્ટ. ક્રિકેટમાં ક્રાઈસીસ સિચ્યુએશન માં પહેલું એ કહેવામાં આવે છે કે વિકેટ પર ટકી રહેવું. આપ વિકેટ પે ખડે રહેંગે, તો રન અપને આપ ધીરે ધીરે આતે જાયેંગે. ફિર મૌકા દૈખા કે માર લેના ચૌકા ! બસ. જિંદગીની મેચમાં પણ આવું જ છે. કપરી કટોકટીમાં રડવું આવે, નિરાશ થઇ જવાય કશો માર્ગ ન સુજે, બધું જ અંધકારમય લાગે, તન-મનને થાક લાગે એ ઘટનાઓ એકદમ સ્વાભાવિક છે. ભીના થયા વિના કોઈ જીવનસમંદર તરી શક્યું નથી. કોઈ દેખાડે, કોઈ છુપાવે....બાકી એકેએક માણસ ને પીડા તો ભોગવવાની આવે જ છે. સીતાહરણ પછી રામ પણ રોઈ પડ્યા હતા !

        પણ જે લોકો એ ગાળો પસાર કરી શકે છે, અને ફરી યુદ્ધ લડવા માટે સજ્જ થઇ રણટંકાર કરી શકે છે, એ ફાઈનલી રાવણવધ કરી શકે છે. નિષ્ફળતાની આફક સફળતા પણ ટેમ્પરરી ઘટના છે. ક્યારેક અનાયાસે ખોળામાં ટપકે, ક્યારેક પરસેવાની નદીઓ વહી જાય પણ કપાળ કોરુંધાકોર રહી જાય! પણ જે કાયમી છે, તે છે સજ્જતા ! ગમે તે ઘડીએ તક મળે, ત્યારે એ ઝીલી લેવા માટે તેમે સજ્જ હશો, તો પરિક્ષાના પરિણામો તમારી કારકિર્દી પર લાંબી અસર નહિ છોડી શકે !

        ડિઅરેસ્ટ સ્ટુડન્ટ બડીઝ, જસ્ટ થીંક. તમારી મંજિલ માર્કશીટ છે કે કરિયર ? કારકિર્દી બનાવવી છે ને ? પૈસા-પ્રતિષ્ઠા કમાવા છે ને ? તો પછી એમાં તો સક્સેસફુલ માણસોના ય માર્કસ કોઈ યાદ નથી કરતુ, ત્યાં ફેઈલ્ડ પર્સનના કેવી રીતે કરે? રિમેમ્બર, કારકિર્દી નો સંબંધ ડિગ્રી સાથે નહિ, માણસ સાથે હોય છે. એમ.એ વિથ પોલીટીકલ સાયન્સ ની ડિગ્રી દર વર્ષે ડઝનબંધ વિદ્યાર્થીઓ મેળવે છે, પણ એમાંથી શું દરેક નરેન્દ્ર મોદી બની શકે છે? એક કાળથી વધારે તો માતા-પિતા ની પ્રતિભા કે સંપર્કો ય કામમાં નથી આવતા. નહિ તો અભિષેક ભારતનો સૌથી મોટો સુપર સ્ટાર હોત અને રોહણ ગાવસ્કર ભારતનો ટોચનો બેટ્સમેન !

        અંતે તો આપણી જાત જ વધે છે. પરિક્ષાની નિષ્ફળતાનો કે મંદીના મારનો મુકાબલો આપઘાત નથી. ખુદબુલંદી છે!  જે સંજોગો થી કંટાળીને સ્યુસાઈડના વિચાર આવે, મરી ગયા પછી કઈ બધું જ બહેતર હશે, વધુ સરસ હશે એની કોઈ ગેરંટી પૃથ્વી પર અત્યાર સુધીમાં આપઘાત કરનાર એક પણ જીવાત્માએ આપી છે? કોને ખબર પરિસ્થિતિ વધુ ગૂંચવાડાભરી પણ પછી હોય શકે! અજાણી જગ્યાએ કદમ મુકવામાં હમેશા વધુ-જોખમ, વધુ દર, વધુ મહેનત રહેલી છે. એના કરતા જાણીતી જગ્યાએ લડાઈ લડવી સહેલી બને છે! ઉલટું, આપઘાત પછી ચાહનારા આત્પજનોની જીંદગી દોઝખ થઇ જશે, તમારી નિષ્ફળતાની છાપ સદાકાળ ચિરંજીવ રહી જશે!

        બક અપ. પડી ગયા હો તો ધૂળ ખંખેરો. છોલાયેલા ગોઠણ પર ડેટોલ - આયોડીન રેડો. કમ ઓન, ફાઈટ ઇટ આઉટ! યાદ રાખો, કે ઇનિંગનો ફાઈનલ સ્કોર પહેલા દડે નક્કી થતો હોય છે. લોકો તો સફળતા કરતા ય વધુ બહાદુરીપૂર્વક હાર સામે ઝઝુમનારાઓને સલામી આપતા હોય છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ! ગમતી બાબત ની ધાર કાઢો. નવેસરથી તૈયારીમાં ચિત્ત પરોવો અને થોડા-ઝાઝા માર્કસથી ગમતા ક્ષેત્રમાં ન જવા મળ્યું, તો શું થયું? જગતમાં ૯૦% સેલિબ્રિટીઝ તો પોતાની પ્રોફેશનલ ડિગ્રી સિવાયના ક્ષેત્રમાં જ આગળ વધી છે! રસ હશે, તો તમારી સજ્જતાને એ ક્ષેત્ર ના ધુરંધરો પણ તમારી એમાં ડિગ્રી નહિ હોય તો ય સલામ કરશે. જિંદગીની મજા એના સસ્પેન્સમાં છે, યારો. હિસ્ટરી ટીચીઝ અસ મીસ્ટરી ઓફ લાઈફ.બધું આપણા ધર્યા મુજબનું, મનગમતું થયા કરે તો એવી બોરિંગ, પ્રેડીકટેબલ લાઈફથી જ કંટાળીને જગત આખું આપઘાત કરે !

        ચીઅર અપ. ઈમ્પ્રુવ યોર સેલ્ફ. ડોન્ટ એસ્કેપ ! જવાં હો યારો, યે તુમ કો હુઆ ક્યા... ઇક દિન બનેગી અપની બાત, મેરે યારો... મેરે પ્યારો !

 

::::::પાવર પાંચ::::::

સાત સમંદર તરવા ચાલી,

જયારે કોઈ નાવ અકેલી

ઝીંઝા બોલી ખમ્મા ખમ્મા,

હિંમત બોલી ‘અલ્લા બેલી’

કોનો સાથજીવનમાં સારો,

શૂન્ય તમે પોતે જ વિચારો

મહેનત પાછળ બબ્બે બાહુ,

કિસ્મત પાછળ માત્ર હથેળી

(શૂન્ય પાલનપુરી)