Page Views: 107580

લોક સમરર્પણ રક્તદાન કેન્દ્રને વધુ 176 યુનિટ રક્તદાન મળ્યું

ઉત્રાણ ખાતે આવેલી માર્વેલ લક્ઝુરીયા અને સિલ્વર મેક્ઝીમના અગ્રણીઓના પ્રયાસથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું

સુરત-16-11-2019

સુરત શહેરમાં દિવાળી વેકેશનના કારણે રક્તની અછત સર્જાઇ છે ત્યારે હવે સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને માનવતાનું કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી છે. વરાછા રોડ મીની હીરા બજાર ખાતે આવેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને રક્ત મળી રહે તે માટે ઉત્રાણ ખાતે આવેલા માર્વેલ લક્ઝુરીયા અને સિલ્વર મેક્ઝીમાં રેસીડન્સીના પ્રમુખ દ્વારા પણ ગત રાત્રીના સમયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આ બન્ને કેમ્પસના સ્થાનિક લોકો ઉપરાંત આસપાસમાં રહેતા લોકો દ્વારા ઉત્સાહથી રક્તદાન કરવામાં આવ્યુ હતું.

ખાસ કરીને સમગ્ર આયોજન માર્વેલ લક્ઝુરીયાના પ્રમુખ રમેશભાઇ ધોળિયા અને સિલ્વર મેક્ઝીમાના પ્રમુખ જીતુભાઇ બલર દ્વારા સમગ્ર રક્તદાન શિબિરનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે બાર વાગ્યા સુધીમાં  અંદાજે 176 જેટલા રક્ત યુનિટનું દાન રક્તદાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના ડો.સુભાષભાઇ ખેની પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરીજનોને હાસના સંજોગોમાં શહેરમાં રક્તની અછત છે અને ડેન્ગ્યુ સહિતની બિમારીઓ શહેરમાં ફેલાયેલી છે ત્યારે રક્તદાન કેમ્પોનું આયોજન કરી અને માનવતાના આ કાર્યમાં સહકાર આપવા માટે લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયાએ જણાવ્યું છે. સાથો સાથે જો કોઇ રક્તદાતા સ્વેચ્છીક રીતે રક્તદાન કરવા માંગતા હોય તો તેમને વરાછા રોડ મીની હીરા બજાર ખાતે આવેલા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.