Page Views: 149021

200 વર્ષ પહેલાંના જંગની વરસીએ મુંબઈને સળગાવ્યું: રોષે ભરાયેલા દલિત લોકોએ આજે મુંબઈમાં અનેક સ્થળે ટ્રેનો અટકાવી

‘મહારાષ્ટ્ર બંધ’નો આરંભઃ મુંબઈ-થાણેમાં રસ્તા-રોકો, રેલ-રોકો

મુંબઈ:-

         દલિત જૂથો તરફથી કરાયેલા ‘મહારાષ્ટ્ર બંધ’ના એલાનને પગલે આજે સવારથી આ મહાનગર તથા પડોશના થાણે શહેરમાં દલિત આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. થાણેમાં આંદોલનકારીઓએ મુંબઈ જતી ટ્રેનો અટકાવી છે.

          પ્રકાશ આંબેડકરના નેતૃત્વવાળી દલિત પાર્ટી – ભારતીય રિપબ્લિકન પાર્ટી બહુજન મહાસંઘે પુણેની ઘટના ઉપર રોષે ભરાઈને આજે મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે. દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે દલિત કાર્યકર્તાઓને અપીલ કરી છે કે બંધને શાંતિપૂર્ણ રાખવું. બંધને અનેક દલિત પાર્ટીઓ, ડાબેરી પક્ષો તેમજ કેટલાક મરાઠા જૂથોએ ટેકો જાહેર કર્યો છે. મુંબઈમાં શિવસેના સહિત અન્ય તમામ રાજકીય પક્ષો પણ ટેકો આપે એવી શક્યતા છે. ઈશાન મુંબઈમાં જ્યાં દલિતોનું જ્યાં વર્ચસ્વ છે તે ચેંબૂર, માનખુર્દ, ઘાટકોપર, મુલુંડ, ભાંડુપ જેવા ઉપનગરીય વિસ્તારોમાં દલિતો હજારોની સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એમની માગણી હતી કે પુણેના રમખાણોના સૂત્રધારો સામે પગલાં લેવામાં આવે.સેંકડો દલિત યુવાનોએ આજે બપોરે ચેંબૂર નજીક મધ્ય રેલવેની હાર્બર લાઈન બ્લોક કરી દીધી હતી. એને કારણે ટ્રેનો લગભગ ત્રણેક કલાક સુધી અટકી ગઈ હતી.લોકલ ટ્રેનો અટકી જતાં લાખો પ્રવાસીઓ સ્ટેશનો પર અથવા ઊભી રહી ગયેલી ટ્રેનોમાં અટવાઈ ગયા હતા. ઘણા લોકોએ એમના મુકામે પહોંચવા માટે રેલવેના પાટા પર ઉતરીને ચાલવાનું પસંદ કર્યું હતું.