Page Views: 220420

સુરત ની સૌથી પ્રાચીન ઈમારત છે કિલ્લો

ખુદાવંદખાને કિલ્લો બંધાવ્યા બાદ જૂનાગઢ થી તોપો મંગાવી હતી

સુરત-20-04-2018

 .....ખુદાવંદખાને સુરત નો બંધાવેલો કિલ્લો.....

સુલતાન બહાદુરશાહ પાસેથી રજા મેળવીને પોર્ટુગીઝોએ ઈ.સ.૧૫૩૫માં દીવમાં કિલ્લો બાંધ્યો પછી દીવની વેપારી પ્રવુતિ ઉપર તેમનો કાબૂ સ્થાપ્યો હતો અને પરવાના પદ્ધતિના કડક અમલને લઈને ગુજરાતની વેપારી પ્રવુતિ સ્વતંત્રતાપૂર્વક થઇ શકતી નહીં. પરિણામે ખ્વાજા સફર સલમાની ઉર્ફે ખુદાવંદખાને સુરતને જ મુખ્ય વેપારી કેન્દ્ર બનાવવા માટે પોર્ટુગીઝો સામે તેના સંરક્ષણના હેતુથી કિલ્લો બાંધવાની યોજના સુલતાન મહમૂદ-૩ પાસે મંજૂર કરાવી, જેથી તાપીમુખ માં પ્રવેશીને સુરત શહેર તરફ આવતાં પોર્ટુગીઝો વહાણો સામે શહેર અને વેપારનું રક્ષણ થઇ શકે.

સુરતનો કિલ્લો હિ.સ.૯૪૭ (ઈ.સ.૧૫૪૦-૪૧) માં બંધાયો હતો. સોળમી સદી દરમિયાન સુરતમાં બંધાયેલી જાહેર ઈમારતોમાં કિલ્લો સૌથી પ્રાચીન છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં તાપીનદીના કાંઠે તે બંધાયો હતો. કિલ્લાના બાંધકામ વિષેની માહિતી તબકાત-ઈ-અકબરીના લેખક નિઝામુદ્દીન અહમદ હરવીએ આપી છે. કિલ્લાની દીવાલો નક્કર ઇંટો, પથ્થરો અને ચૂનાના ચણતરથી બનાવાઈ હતી. બે પથ્થરોને લોખંડના પાટાથી જકડીને સાંધામાં સીસું રેડવામાં આવેલું. દીવાલથી પેરાપીટનાં બાંકોરા-સંગ અંદાજ હેરત પમાડે તેવા બન્યાં હતા. કિલ્લાના ચારેય બુરજો  ઉપર ચોખંડીની રચના કરવામાં આવી હતી જેની ઉપર તોપો રાખવામાં આવતી. કિલ્લાની દીવાલો પાંચ ગજ પહોળી બનાવાઈ હતી. ત્યારે ઇલાહી-ગજ પ્રચલિત હતી. જેની લંબાઈ બત્રીસ ઇંચ જેટલી હતી એટલે દીવાલો ૪.૪૪ વાર અથવા ૪.૦૬ મીટર પહોળી હતી. તે જ રીતે દીવાલોની ઊંચાઈ પણ વીસ ગજ ઊંચી એટલે ૧૭.૭૭ વાર અથવા ૧૬.૨૫ મીટર હતી. એક તરફ નદીનું પાણી અને બાકીની બાજુએ ખાઈ હોવાથી આપોઆપ જ નદીનું પાણી કિલ્લા ફરતે ખાડી માં ફરી વળતું. ખાડીને ઓળંગી ને કિલ્લામાં પ્રવેશવા માટે સાંકળોથી ખેંચી શકાય તેવી પુલ હતો. વિલિયમ ફિન્ચે ૧૬૧૧માં આ પુલ જોયો હતો. ડૉ.ફ્રાયરના સમય સુધી (૧૬૭૫) આ પુલ નો ઉપયોગ થયો હતો. મોહમ્મદ કાસિમ ફિરિશ્તાના જણાવ્યા પ્રમાણે કિલ્લાની મુખ્ય દીવાલોની નજીક પાંત્રીસ ગજ પહોળી (૩૧.૧૧ વાર = ૨૮.૪૪ મીટર) દીવાલ હતી જેની ઉપર ઉભા રહીને બંદુકચીઓ ગોળીઓ છોડતા. ફ્રેંચ મુલાકાતી ટેવર્નીયે પણ કિલ્લાના તોપમંચ નો ઉલ્લેખ કરે છે. ખ્વાજા સફર સલમીની ખુદાવંદખાને જૂનાગઢથી તોપો લાવીને કિલ્લામાં રાખેલી. મુઘલ સમ્રાટ અકબરને પણ ૧૫૭૩માં આ નાનકડો પણ મજબુત કિલ્લો સર કરતા એક મહિનોઅને સત્તર દિવસ થયા હતા. મુઘલાઈ દરમિયાન સુરત સરકારના વહીવટ માટે સમાન દરજ્જાના બે અધિકારીઓ નિમાતા તેમાં કિલ્લા માટે ખાસ કિલ્લેદાર નીમતો. (ક્રમશ:)