સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
બાળકને શાળામાં ભણવા મોકલવાનું થાય ત્યારે સમગ્ર ગુજરાતના વાલીઓનીએ હંમેશા એક પ્રશ્ન થાય છે કે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા કે ગુજરાતી માધ્યમમાં, બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાનોએ ગ્લોબલ મીડિયમના નામથી એક નવા માધ્યમ દ્વિભાષી(ગુજરાતી-અંગ્રેજી)ની મંજૂરી લઈ છ વર્ષ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો છે. જેના પગલે હવે સમગ્ર ગુજરાતમાં નવા દ્વિભાષી માધ્યમને સરકારે મંજૂરી આપી દીધી છે. આ વર્ષથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે એ મુજબનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.
આ અંગે વિગતો આપતા શહેરના જાણીતા બાળ મનોચિકિત્સક અને સાહિત્યકાર એવા ડો.રઇશ મણિયારે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રત્યે વધેલી લોકોની જાગૃતિને પગલે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વાલીઓમાં જોવા મળે છે. પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે કે ગુજરાતી માધ્યમમાં. વાલીઓને એક તરફ માતૃભાષામાં ભણતરનો આગ્રહ હોય છે તો બીજી તરફ વૈશ્વિક ભાષા અંગ્રેજીમાં મારૂ બાળક પાછળ રહી જશે તેનો ડર હોય છે. આ ગડમથલમાં ઘણી વખત બાળક ઉપર બિન જરૂરી ભારણ આવતું હોવાનું પણ બને છે. આ સમસ્યાના નિરાકરણ માટે સુરતના અડાજણ ખાતે આવેલી ભૂલકા ભવન સ્કૂલના સ્થાપક મીનાક્ષીબેન દેસાઇ, સંચાલક સોનલબેન દેસાઇ, ભૂલકા વિહાર શાળાના સંચાલક મિતાબેન વકીલ સહિતના શાળા સંચાલકો સાથે સંકલન કરીને સુરતની અગ્રગણ્ય શાળાઓમાં ગ્લોબલ ક્લાસ શરૂ કરાયા હતા. ગ્લોબલ ક્લાસમાં વિદ્યાર્થીઓને માત્ર વિજ્ઞાન અને ગણિત અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે અને બાકીના વિષય ગુજરાતીમાં ભણાવવામાં આવે છે. આ પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે અને હવે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતીની તમામ શાળાઓને ગ્લોબલ ક્લાસ એટલે કે દ્વિભાષી માધ્યમથી જોડવાનો નિર્ણય કર્યો છે જે અત્યંત આવકાર દાયક બાબત છે.
દ્વિભાષી માધ્યમમાં નવી જોડાયેલી શાળાઓને માર્ગદર્શન મળી રહે એ માટે સુરતની શાળાઓ વર્તી ડો. મીતા વકીલ અને ડો.રઈશ મણીયારના માર્ગદર્શનમાં એની માહિતી આપતી વેબસાઈટ શરૂ કરી છે. આ www.bilingualmedium.in વેબસાઈટનું ઉદ્દઘાટન કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, હું આનંદ અને ગૌરવ અનુભવું છું. ગુજરાતના શિક્ષણજગતને નવી દિશા બતાવનાર આ મિત્રોને શુભેચ્છા આપું છુ.
બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલથી ભણાવવા આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ, નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે. જેથી દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને દ્વિભાષા પણ સારી રીતે શીખશે.જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે સરકારની મંજૂરી મેળવીને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે. પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે.
બાળકો અંગ્રેજી અને ગુજરાતી સારી રીતે ભણી શકશે
શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એ જરૂરી છે. સાથે સાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલી જ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણની ગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એકને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી. દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એ દ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજા જ હોય શકે.
ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલ મિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગેજ પરિભાષાનો ઉપયોગ કરીને જ ભણવાના હોવાથી શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષય દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યુ છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.
સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઇવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ડો.વિનોદ જા પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝિટિવ હતા. સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી જેમાં અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મિટિંગ કરીને ડો. રઈશ મણીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો. સુરતના પૂર્વ ડી.ઈ.ઓ. યુ. એન. રાઠોડ વગેરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ હતી. શિક્ષણ મંત્રી ભુપેદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુ વાનાણી તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને જી.સી.ઈ.આર.ટી.ના વડા ટી. એસ. જોશી તેમજ એમઆઈ જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત DEO એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબ ડી આર. દરજી સાહેબના માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. સરકારની સ્કૂલ ઓફ એક્સેલસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ દાખલ કરાશે.
રાજ્યની શાળાઓ આ પ્રકારે શરૂ કરી શકશે દ્વિભાષી માધ્યમ
• Share •