Page Views: 98180

જામનગરમાં રીનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી : સાત દબાયા; બેના મોત

રેસ્ક્યુ કામગીરી શરુ : મકાન સાંકડી ગલીમાં હોવાથી રેસ્ક્યુંની કામગીરીમાં ફાયરને ભારે તકલીફ પડી

અમદાવાદ-16-08-2019

જામનગરમાં આવેલ દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાન નીચે ૭ લોકો દબાયા હતા. જેમાં બેના મોત થયા છે. જયારે ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજુ એક વ્યક્તિ ત્યાં કાટમાળમાં જ દબાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બનતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક બચાવ કામગીરી શરુ કરી હતી. ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી હતી. અને બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.

જામનગરમાં શાકમાર્કેટ પાસે આવેલાં દેવુભાના ચોક વિસ્તારમાં રહેતા અનવરભાઇ દાઉદભાઇ ગંઢારના બે માળના મકાનમાં રિનોવેશન કામ ચાલી રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન જ અચાનક જ મકાન ધરાશાયી થયું હતું. જેમાં સાત લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ કાફલો ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ આવી ગઇ હતી. અને બચાવ કામગીરી શરુ કરી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા. જયારે ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયારે એક વ્યક્તિને રેસ્ક્યુ કરવા માટે તેના પરનો કાટમાળ દુર કરવો પડે તેમ છે. જોકે આ મકાન સાંકડી ગલીમાં આવેલ હોવાથી જેસીબી કે ક્રેન અંદર આવી શકે તેમ નથી. તેથી ફાયરબ્રિગેડ દ્વારા રિલાયન્સ કંપનીની મદદ માંગી હતી. જેથી તેની ટીમ ત્યાં આવવા નીકળી ગઈ છે અને રાજકોટથી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ બોલાવવામાં આવી છે.