Page Views: 98245

ચેમ્બર દ્વારા ૭૩માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

ચેમ્બર પ્રમુક કેતન દેસાઇએ તિરંગો લહેરાવ્યો

સુરતઃ 16-8-2019

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ૧પમી ઓગષ્ટ ર૦૧૯ના રોજ ૭૩માં સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૯ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ ખાતે પ્રમુખ શ્રી કેતન દેસાઇએ દેશની આન, બાન અને શાન સમા તિરંગાને માનભેર લહેરાવ્યો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત ચેમ્બરના ઓફિસ બેરર્સ, મેનેજિંગ કમિટીના સભ્યો, સ્ટાફ કર્મચારીઓ અને સ્થાનિક વિસ્તારના કેટલાક રહીશોએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને પોતે ધન્યતા અનુભવી હતી.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન પર્વની શુભેચ્છા આપી પોતાના ઉદ્‌બોધનમાં જમ્મુ – કાશ્મીરમાંથી હાલમાં સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩પએ નાબૂદ કરવામાં આવી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયુ હતુ કે, ૭૦ વર્ષ બાદ અખંડ ભારત બન્યુ છે. જમ્મુ અને કાશ્મીરના નાગરિકો પણ હવે દેશના અન્ય નાગરિકોની જેમ તમામ અધિકારો માટેના હકદાર બન્યા છે. હવે જમ્મુ અને કાશ્મીરમાં પણ વિકાસ થશે. સરકાર ત્યાં પણ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરશે. આ કાર્યક્રમ દરમિયાન એક મુસ્લિમ બિરાદર ભાવુક થઇ ગયા હતા અને શ્રી કેતન દેસાઇને ભેટીને રડી પડયા હતા. આ મુસ્લિમ બિરાદર તેમના બાળકો સાથે ચેમ્બર દ્વારા યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં જોડાયા હતા. ચેમ્બરે તેઓને આગળની હરોળમાં ઉભા રાખી કોમી એખાલસતાભર્યા વાતાવરણમાં ધ્વજવંદન કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.