સુરત-3-5-2018
વરાછા રોડ પર આઇ પી એલ મેચ ઉપર સટ્ટો રમાડતા સટોડિયાઓનું નેટવર્ક ઝડપી લઇ વરાછા પોલીસે સાત આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ પાસેથી પોલીસે મોબાઇલ ફોન અને લેપટોપ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. વરાછા પોલીસને બાતમી મળી હતી કે, ખોડિયાર નગર રોડ પર તક્ષશિલા એપાર્ટમેન્ટ ખાતેના એક ફ્લેટમાં આઇ પી એલ ટુર્નામેન્ટ ઉપર સટ્ટો રમાડવામાં આવે છે ગઇ રાત્રે દિલ્હી ડેરવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પર બુકીંગ કરીને સટ્ટો રમાડવામાં આવતો હતો ત્યારે વરાછા પોલીસે આ સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના હાથે તક્ષશિલા એપાર્ટમેન્ટ ખાતેથી ગૌરવ અશોક બલર, રાજુ વાલજી લુખી, અરૂણ હરિ પટેલ, જીતેન્દ્ર બાલુ ખુંટ, વિજય ભવાન કાત્રોડિયા,જગદીશ દિનેશ પરમાર અને દિનેશ પરશોત્તમ નાકરાણીને ઝડપી પાડ્યા હતા. આ તમામ દ્વારા વલણ લેવામાં આવતું હતું અને પોલીસે તમામ પાસેથી રૂપિયા 52 હજારની કિંમતના દસ નંગ મોબાઇલ ફોન, રૂ.10 હજારની કિંમતનું એલ ઇ ડી ટીવી, સેટ અપ બોક્સ વિગેરે મળીને કુલ રૂપિયા 85 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. આ તમામ દ્વારા મોબાઇલ ફોનથી ગ્રાહકોનો સંપર્ક કરી અને સટ્ટો રમાડવામાં આવતો હતો અને તેમનું કમિશન કાપીને વલણ ચુકવવામાં આવતું હતું.
• Share •