Page Views: 2608

રીંગરોડ પરથી પસાર થઇ રહેલી કારમાં લાગેલી આગઃ ડ્રાઇવરનો બચાવ

કારમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ

રીંગરોડ સ્થિત સિવિલ ચાર રસ્તા પાસેથી પસાર થતી એક કાર અચાનક સળગવા લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગેલી કારને લઇને ટ્રાફિકને પણ અસર પહોંચી હતી. એન્જિનમાં આગની જ્વાળાઓ કાર ચાલકને દેખાતા જ કાર રોડ પર ઉભી કરીને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. કારમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ ચાલકે ફાયર વિભાગને કર્યા બાદ ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડીને આગને કાબુમાં લીધી હતી. 
પ્રાપ્ત વિગતો મુજબ મનપાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાર ચાલકનો ફાયર કોલ મળ્યાની સાથે જ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. લાલ કલરની મારુતિ કારમાં લાગેલી આગને તાત્કાલિક અસરથી કાબુમાં લેવામાં આવી હતી. વાયરિગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
જયારે કારના માલિક પુમાભાઈ હડિયાએ જણાવ્યું હતું કે, હું મજુરા ગેટ વિસ્તારમાં રહું છું અને ડાયમંડની ઓફિસમાં કામ કરું છું. ઓફિસથી ઘરે જતી વખતે મારી કારના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારે રોડ પર જ મેં મારી કારને ઉભી કરીને હું ઝડપથી બહાર નીકળી ગયો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ કાર પેટ્રોલ અને સીએનજીથી ચાલતી હોવાનું અને લગભગ આઠ વર્ષ જુની હોવાનું બહાર આવ્યું છે.