અમદાવાદ: વર્તમાનન્યુઝ.કોમ
ધો. 10માં માસ પ્રમોશન આપી પાસ કરાયેલા ધો. 11ના વિદ્યાર્થીઓના લર્નિંગ લોસ જાણવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિદાન કસોટી લેવાનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 17 અને 18 ઓગસ્ટ એમ બે દિવસ યોજાનારી એકમ કસોટીમાં પ્રશ્નપત્રો ધોરણ-10ના અભ્યાસક્રમના આધારે તૈયાર કરવામાં આવશે. નિદાન કસોટી બાદ 31 ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાનું રહેશે. ત્યારબાદ શાળાઓએ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાના રહેશે.
કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ-9થી 11માં માસ પ્રમોશન અને ધોરણ-12ની પરીક્ષા રદ કરી પરિણામ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેના આધારે ધોરણ-12નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં આગામી ધોરણના વિષયવસ્તુ પ્રવેશ પહેલા તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટેની નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે. નિદાન કસોટી બાદ વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટીઓ યોજવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ધોરણ-9, 10 અને 12ની નિદાન કસોટી યોજવામાં આવી હતી. હવે ધોરણ-11ના નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓના લર્નિંગ લોસ જાણવા માટે નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. નિદાન કસોટી માટે 13 ઓગસ્ટના રોજ બોર્ડ દ્વારા જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીઓને ઈ-મેઈલ દ્વારા પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવશે. ત્યારબાદ 14 ઓગસ્ટે આ પ્રશ્નપત્રો શાળાના આચાર્યોને મોકલવામાં આવશે. 17 ઓગસ્ટના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રશ્નપત્રો મુકાશે અને 17 અને 18 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ કસોટી આપશે. 31 ઓગસ્ટ સુધીમાં તમામ વિદ્યાર્થીઓનું વિષયવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાના રહેશે.
ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે ધોરણ-10ના વિષયો આધારિત પ્રશ્નપત્રો રહેશે. નિદાન કસોટીની ઉત્તરવહીનું મૂલ્યાંકન કાર્ય વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે તે આચાર્યની રહેશે. ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહ માટેની નિદાન કસોટી માટે ધોરણ-10ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રો પૂછવામાં આવશે. જ્યારે ધોરણ-11 સામાન્ય પ્રવાહની નિદાન કસોટી માટે ધોરણ-10ના અંગ્રેજી, ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો પૂછવામાં આવશે.
• Share •