Page Views: 14063

આદિવાસી સમાજના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યુ

સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી ૫૦૦ કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન બનાવ્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

મૂળ ગામ, ૧૪ ભેદી ફળિયું, જુના ખેડા, કોઠા, પંચમહાલના વતની, હાલમાં વાવ ચોકડી, કામરેજ, સુરત ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તા. ૨૮ એપ્રિલના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે કરીયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મીમેર હોસ્પીટલમાં સર્જરી વિભાગ યુનિટ-૪ ના પ્રો. ડૉ. દિનેશ પ્રસાદ અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. જીગ્નલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.  તા. ૨૯ એપ્રિલના રોજ મેડીકલ સુપ્રીટેનડન્ટ ડૉ.જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, સર્જરી વિભાગના સીનીયર રેસિડન્ટ ડૉ. ચિંતન પટેલે બુધાભાઈ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગના વડા ડૉ.અર્ચના નેમા એ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી બુધાભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ, દિવ્યેશભાઈ શેખડા, મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. બુધાભાઈના ભાઈ કાળુંભાઈએ જણાવ્યું કે અમે ગરીબ પરિવારના છીએ રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ જીવનમાં અમે કોઈ કઈ ચીજ-વસ્તુઓનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા ભાઈ ના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બુધાભાઈના પરિવારમાં પત્ની ગંગાબેન ઉં.વ. ૪૫, સફાઈ કામદાર તરીકે નું કાર્ય કરે છે. બે પુત્રો સંજય ઉ.વ ૨૨ અને કનુ ઉ.વ. ૧૯ ખેતમજૂર છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી છે. 

કિડની અને લિવર નું દાન અમદાવાદની IKDRC ના ડૉ. અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું. કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ થી કામરેજ ટોલનાકા સુધી નો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી ૧૧૭ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

સ્મીમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) માં ઓર્ગન રીટ્રાયવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલ થી કરાવવામાં આવેલું આ પ્રથમ અંગદાન છે. સ્મીમેર હોસ્પિટલ થી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવા માટેનું માર્ગદર્શન માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ દ્વારા હંમેશા મળતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌ પ્રથમ લિવરનું દાન ફેબ્રુઆરી ૨૦૦૬માં સુરતની સ્મીમેર હોસ્પિટલ થી કરવામાં આવ્યું હતું.

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ.બુધાભાઈ પારસીંગભાઈ નાયકા ઉ.વ ૪૯ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ. 

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બુધાબાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ, દિવ્યેશભાઈ, મનોજભાઈ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યો, સ્મીમેર હોસ્પિટલના મેડીકલ સુપ્રીટેનડન્ટ ડૉ. જીતેન્દ્ર દર્શન, સ્મીમેર હોસ્પિટલના વિવિધ વિભાગો જેવા કે સર્જરી, મેડિસીન, એનેથેસીયા, રેડિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, માઈક્રોલોજી, ફોરેન્સિક મેડીસીન ના વડા ડૉ. અર્ચના નેમા, ડૉ. કમલ નાયક, ડૉ. સુભાષ પટેલ, ડૉ. મોના શાસ્ત્રી, ડૉ. નેહલ દિવાનજી, ડૉ. વિલાસ, ડૉ. મનીષ પટેલ, ડો. ઇલ્યાસ શેખ, ડો. જયેશ કાકાણી, બ્લડ બેંકના વડા ડો. અંકિતા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, સર્જરી વિભાગ યુનિટ-૪ ના પ્રો. ડૉ. દિનેશ પ્રસાદ અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. જીગ્નલ સોનાવલે, સીનીયર RMO ડૉ. જયેશ પટેલ, RMO ડૉ. આનંદ પટેલ અને ડૉ. રાજેશ પરમાર, સ્મીમેર હોસ્પિટલની સોટ્ટો કમિટીના મેમ્બર ડૉ. ચિંતન પટેલ, ડૉ. ચિંતન કાકડિયા અને ડૉ. પ્રિયા, સર્જરી વિભાગના રેસિડન્ટ ડૉ. ખ્યાતી મિસ્ત્રી, ડૉ. ચૈતન્ય પ્રજાપતિ, ડૉ. આદર્શ ભ્રહ્મભટ્ટ, ડૉ. શિવાંગી જૈન, ડો. પૂજન શાહ, ડૉ. નિગમ પટેલ, ડૉ. ચિંતન દેસાઈ, મેડીસીન વિભાગના રેસીડેન્ટ ડૉ. ચિંતન પટેલ, ડૉ. હેનીશ શાહ, ઇન્ટેન્સીવીસ્ટ ડૉ. સમીર ગામી, ડૉ. દિવ્યેશ પટેલ, સ્મીમેર હોસ્પિટલના વિવિધ વિભાગના કર્મચારીઓ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી & CEO નીરવ માંડલેવાલા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, સિધ્ધી શાહ, પ્રોગ્રામીંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરત ત્રિવેદી, ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૨૨૭ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૦૦ કિડની, ૨૧૮ લિવર, ૫૧ હૃદય, ૪૮ ફેફસાં, ૮ પેન્ક્રીઆસ, ૪ હાથ, ૧ નાનું આતરડું અને ૩૯૭ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૧૨૭ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન... જીવનદાન...

ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/