Page Views: 16578

તો, સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્ થવાની સંભાવના

સુરત કલેક્ટર કચેરી પર કોંગ્રેસનો હોબાળો, નેતાઓ અને લિગલ સેલના અગ્રણીઓ કલેક્ટર કચેરી પર દોડી ગયા- પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને લઈને ઉમેદાવારો પોતાના ફોર્મ ભરી ચૂક્યા છે. ત્યારબાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરાઈ રહી છે.  ત્યારે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વાંધો ઉઠાવાયો છે. નિલેશ કુંભાણીની ઉમેદવારી સમયે એક પણ ટેકેદાર હાજર ન હતા. તેમજ ટેકેદારોએ પોતાની સહી ડુપ્લીકેટ હોવાનું નિવેદન આપ્યુ છે અને નિલેશ કુંભાણીના ડમી ઉમેદવારોના ટેકેદારોના એફિડેવિટ પર પણ સવાલ ઉઠાવાયા છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારી ગુમાવી શકે છે. તો ડમી ઉમેદવારની ઉમેદવારી પણ રદ થવાની સંભાવના છે. જોકે, ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી એ કહ્યું કે, 'ભાજપ દ્વારા ટેકેદારોનું અપહરણ કરાયું છે. ટેકેદારોના ફોન બંધ કરી દેવાયા છે. રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરૂભાઈનો સંપર્ક નથી થઈ રહ્યો. મને પણ મીડિયાના માધ્યમથી આ અંગે ખબર પડી છે. મારા ફોર્મમાં ટેકેદારોની ખોટી સહી થઈ હોવાનો આરોપ છે.' સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મની ચકાસણી દરમિયાન પ્રસ્તાવ કરતા ટેકેદારની સહી અંગે કોઈ સમસ્યા ઉભી થઇ છે. રિટર્નિંગ ઓફિસરે આ અંગે નોટિસ આપી છે. સાંજે 4 સુધીમાં કોંગ્રેસે જવાબ આપવાનો છે.  4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થશે. નિલેશ કુંભાણીના ફોર્મને લઈને કલેક્ટર નિર્ણય લેશે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ વિવાદની ચર્ચા વચ્ચે કોંગ્રેસ અને આપના નેતાઓ સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ગોપાલ ઈટાલિયા પણ કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. આ સાથે ભાજપ-કોંગ્રેસની લીગલ ટીમના વકીલો ક્લેક્ટર કચેરી પર પહોંચ્યા છે. તો બીજી તરફ સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોષના સ્થાને આ વખતે ભાજપે મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણીને મેદાને ઉતારાયા છે. જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે તો સુરત બેઠક ઉપર એક તરફી જંગ થઇ જશે અને મુકેશ દલાલ જંગી બહુમતીથી વિજેતા થશે. જો કે, હવે બધો દારો મદાર ક્લેક્ટરના નિર્ણય પર છે.