Page Views: 6537

કોરોના બાદ દેશનું પ્રથમ બી ટુ બી સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૧ યોજવાનું શ્રેય ચેમ્બર પ્રમુખ અને તેમની ટીમને ફાળે

વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઈરાની શનિવારે ત્રિ-દિવસીય એક્ઝીબિશનને ખૂલ્લુ મુકશે

સુરત.8-1-2021

ગત માર્ચ મહિનાથી સમગ્ર દેશના વેપાર ધંધા પડી ભાંગ્યા છે અને હવે ધીમે ધીમે તમામ વેપાર ઉદ્યોગ રાબેતા મુજબના થવા જઇ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં કોરોનાકાળ બાદ પ્રથમ બી ટુ બી એક્ઝિબિશન યોજવાનું શ્રેય ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા અને તેમની ટીમને ફાળે જાય છે.  ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા ખાતે આવેલા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ર૦ર૧ દરમ્યાન ત્રિ–દિવસીય ટેક્‌સટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી ટેક્‌સટાઈલ ઉદ્યોગની મશીનરી પ્રદર્શિત કરતું ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ એવું આ પ્રત્યક્ષ બી–ટુ–બી એકઝીબીશન સુરતના ઘર–આંગણે યોજાઈ રહયું છે. આ ટેક્‌સટાઈલ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેકસટાઈલ ઉદ્યોગને મળશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચે જ કહયું છે કે  ‘સીટેક્ષ– ર૦ર૧’ એ ખરેખર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે. દેશની સૌથી મોટી એવી મેન મેડ ટેકસટાઈલ નગરી સુરતમાં આવનારા દિવસોમાં જંગી મૂડી રોકાણ થવા જઈ રહયું છે એવાં સમયે આ એકઝીબીશન ‘ગેમચેઈન્જર’ સાબિત થશે એવો ઉદ્યોગના જાણકારોનો મત છે. આ વાતને ધ્યાનમાં લેતાં રાજ્ય અને દેશભરના ટેકસટાઈલ ઉદ્યોગપતિઓ આ એકઝીબીશન ઉપર નજર રાખીને બેઠા છે એ ખૂબજ મહત્વની વાત છે. તેમણે વધુમાં કહયું હતું કે, ગુજરાતનાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ‘સીટેક્ષ– ર૦ર૧’ને સુરત અને ગુજરાત રાજ્યના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનું ગણાવીને તેની સફળતા માટે ખાસ શુભેચ્છાઓ પાઠવી છે. સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧નું ઉદ્‌ઘાટન ભારત સરકારનાં ટેક્‌સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના વરદ્‌ હસ્તે કરવામાં આવશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે સુરતના સાંસદ દર્શના જરદોશ, કોન્સ્યુલેટ જનરલ ઓફ રીપબ્લીક ઓફ ન્ડોનેશિયા, મુંબઇના કોન્સુલ જનરલ હીઝ એકસલન્સી આગુસ પ્રિહાતીન સાપ્તોનો અને એચ.ડી. શ્રીમાળી– એડી. ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્ષ્ટર્નલ) ઓફિસ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, ગુજરાત સરકાર ખાસ ઉપસ્થિત રહેશે.સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ર૦ર૧ દરમ્યાન ત્રિ–દિવસીય એવા ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી શો ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ એ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેકસટાઈલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. અહીં ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં પીલરલેસ એસી હોલમાં ૧૦૦થી વધુ સ્ટોલોમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ ખૂબજ લાંબા સમય પછીથી પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત થનાર છે.આ પ્રદર્શનમાં સુરતમાં બનેલા ઇન્ડીજિનીયસ નીડલ લૂમ્સ મશીન, ઇન્ડીજિનીયસ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, ટેરી નીટિંગ મશીન અને એક હજાર આરપીએમ પર ચાલતું એરજેટ (જેમાં વિસ્કોસ કપડું બને છે) મશીન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેને રૂબરૂ નિહાળવા એક મોટો ટેકસટાઈલ ઉદ્યોગનો સાહસિક વર્ગ આતુરતાથી રાહ જોઈ રહયો છે.સુરતનાં મહત્વકાંક્ષી આયોજન સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧ની જંગી સફળતા મળે તે હેતુથી દેશભરમાં અનેક રાજ્યોમાં ખૂબજ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. અનેક ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ ઉદ્યોગપતિઓને નિમંત્રીત કરવામાં આવ્યા છે. જેના ફળ સ્વરૂપે ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ તેમજ શ્રીલંકામાંથી બાયર્સ પ્રતિનિધિ મંડળ મુલાકાત લેનાર છે. દેશના વિવિધ ટેકસટાઈલ સેન્ટરો જેવા કે

   ઇચ્છલકરંજી, માલેગાંવ, ઈરોડ, તીરૂપૂર, સાલેમ, કોઈમ્બતુર, ભીવંડી, મુંબઈ, લુધિયાણા, અમૃતસર, પાણીપત પંજાબમાં ટેકસટાઈલ ઉદ્યોગ પ્રતિનિધિ મંડળો સીટેક્ષ– ર૦ર૧ની ખાસ મુલાકાત લેનાર છે. કોરાના કાળ પછી ગુજરાત રાજ્યમાં સુરત ખાતે સૌ પ્રથમ વખત યોજાઈ રહેલા સીટેક્ષ–ર૧ દરમ્યાન કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્યની સરકારોની કોવિડ– ૧૯ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવામાં આવશે. આ માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંપૂર્ણ પ્રબંધ કરવામાં આવ્યો છે. સીટેક્ષ–ર૧ દરમ્યાન ખાસ કરી માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે. મુલાકાતી દ્વારા રજીસ્ટ્રેશનની બિનજરૂરી ભીડ ન થાય અને કોવિડ– ૧૯ની ગાઈડલાઈનનું પાલન થાય આવા મુદ્દાને ધ્યાનમાં રાખીને એકઝીબીશનમાં પ્રવેશ મેળવવા માટે સ્પોટ રજીસ્ટ્રેશનની પદ્ધતિના સ્થાને માત્ર એડવાન્સ ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી છે, જે એક મહત્વનું પાસુ છે. સીટેક્ષ–ર૧ના આયોજનમાં સુરતનાં મોટી સંખ્યામાં ટેકસટાઈલ એસોસીએશનોએ સહયોગ આપ્યો છે તેમજ તેને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહયાં છે. સીટેક્ષ– ર૦ર૧ના આયોજનમાં ચેમ્બરને ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ – એમએસએમઇ, ગુજરાત સરકાર, ઇન્ડેક્ષ્ટ–બી, સુરત મહાનગરપાલિકા, ફોગવા, ફોસ્ટા, ફિયાસ્વી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, સચિન ઇન્ડસ્ટ્રીઝ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, સુરત આર્ટ સિલ્ક કલોથ મેન્યુફેકચરર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન, ધી સાસ્મી કો–ઓપ. સોસાયટી લિમિટેડ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ઇ એક્ષ્પો, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહયોગ પ્રાપ્ત થયો છે.