Page Views: 24799

ભાઠેનામાં એમ્બ્રોઇડરી યુનિટમાં આગ લાગતા સાત હજાર સાડી સળગી ગઇ

આગને કારણે બિલ્ડીંગને પણ નુકસાન થતા હવે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો પડે એવી સ્થિતિ

સુરત-15-9-2018

શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા એક એમ્બ્રોઇડરી યુનિટમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાની થઇ છે. આગ અને પાણીના કારણે બિલ્ડીંગના કન્સ્ટ્રકશનને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થતા બિલ્ડીંગનો સ્ટેબિલીટી રિપોર્ટ કરાવવો પડે એવી સ્થિતિ સર્જાઇ છે.

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલા ભાઠેના 2-57માં રામચંન્દ્ર પુજારામનું જય માતાજી ક્રિએશન નામનું એમ્બ્રોઇડરી યુનિટ  આવેલું છે. આ એમ્બ્રોઇડરી યુનિટમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી અને આગને કારણે ચાર એમ્બ્રોઇડરી મશીન, એક સિલાઇ મશીન, વાયરીંગ, ફર્નિચર સહિત એ.સી બળીને રાખ થઇ ગયા હતા. આ ઉપરાંત પાંચ હજાર નંગ ફાઇનલ સાડી અને બે હજાર નંગ પ્લેઇન સાડી પણ બળી ગઇ હતી. કુલ સાત હજાર નંગ સાડી સહિતની જણસ બળી જવા ઉપરાંત આગ અને પાણીના કારણે બિલ્ડીંગના કંન્સ્ટ્રકશનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે અને સમગ્ર બિલ્ડીંગ જર્જરીત થઇ ગયુ છે. એટલે આગામી દિવસોમાં મહાનગર પાલિકા દ્વારા આ બિલ્ડીંગના સ્ટ્રક્ચરનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘટના સ્થળે ખટોદરા ફાયર સ્ટેશનનો સ્ટાફ ગયો હતો અને તેમણે આગને કાબુમાં લીધી હતી.