Page Views: 11864

વરાછા બેંકના લોન ખાતેદાર લેપ લાઈફ એલ.એલ.પી પેઢી તથા તેના ભાગીદારોને ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની કેદની સજા

અમરોલી શાખા ના લોન ડિફોલ્ટરોને એક વર્ષની કેદ તથા રૂપિયા 8 કરોડ 34 લાખ 89 હજાર 155 દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ ૨ માસની કેદ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

         સુરતની ધી વરાછા કો.-ઓપરેટિવ બેંક લિ. ની અમરોલી શાખામાંથી લોન લઈ નિયમિત હપ્તા ભરપાઈ ન કરનાર આરોપીઓ લેપ લાઇફ એલ.એલ.પી પેઢી તથા તેના ભાગીદારો વિરુદ્ધ બેંકે કરેલ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત આરોપીઓને ૧ વર્ષની કેદ તથા  રૂપિયા 8 કરોડ 34 લાખ 89 હજાર 155નો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ ૨ માસની કેદની સજા નામદાર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે.

             આરોપીઓ (૧) પરેશકુમાર હસમુખલાલ પટેલ (૨) વર્ષાબેન પરેશકુમાર પટેલ (૩) લેપ મલ્ટીવર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ (પરેશકુમાર હસમુખલાલ પટેલ અને વર્ષાબેન પરેશકુમાર પટેલ) (૪) ઓમપ્રકાશ પૂનમચંદ સોની (૫) પિનાકીનભાઈ મંગુભાઈ પટેલ (૬) રૂપેશભાઈ મંગુભાઈ પટેલનાંઓએ લેપ લાઈફ સ્ટાઈલ, લિમિટેડ લાયાબીલીટી ભાગીદારી પેઢીનાં નામે ધી વરાછા કો.-ઓપ. બેંક લિ. સુરતની અમરોલી શાખામાંથી જમીન ડેવલપીંગ કરી, બાંધકામ કરી તે વેચાણ કરવાના લગતા ધંધા વિષયક ટર્મલોન ધિરાણ મેળવેલ. લોન લીધા બાદ વસુલાત અનિયમિત થતા, ધિરાણ NPA થયેલ. સદર લોન ખાતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત નોટિસ પાઠવવામાં આવેલ જે અંતર્ગત આરોપીઓને નોટિસ બજવાથી આરોપીઓએ ધિરાણ વસૂલાત લગત ફરિયાદીના કાયદેસરના બાકી લેણા ની ચુકવણી પેટે બેંક ને ચેક લખી આપેલ. સદર ચેક વસુલાત માટે રજૂ કરતા ફંડ્સ ઈનસફીશીયન્ટનાં શેરા સાથે પરત આવેલ. ઉપરોક્ત ચેક પરત ફરતા બેંકે નામદાર કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૮૮૧ ની કલમ ૧૩૮ મુજબ નામદાર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી. જે અંગેની ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટે બેંક તરફે વકીલશ્રી જીવરાજભાઈ વસોયા અને શ્રી નિલેશ એમ. વઘાસીયાની દલીલો સાંભળી, તમામ આરોપીઓને ૧ વર્ષની જેલ તથા ચેકની રકમ રૂ|. ૮,૩૪,૮૯,૧૫૫/- અંકે રૂપિયા આઠ કરોડ ચોત્રીસ લાખ નેવ્યાંશી હજાર એકસો પંચાવન રૂપિયાનો દંડ વળતર તરીકે સંયુક્ત રીતે બેંકને ચૂકવવાનો તથા દંડની રકમ ન ચૂકવે તો વધુ ૨ માસની જેલની સજા ફટકારવાનો હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી નામદાર કોર્ટે જાહેર કરેલ છે.