Page Views: 12116

સિટમે– 2024 પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓ જોવા બે દિવસમાં 14 હજારથી વધુ બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓએ મુલાકાત લીધી

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એમ્બ્રોઇડરી ઉદ્યોગકારો જ નહીં પણ વીવર્સ અને ટ્રેડર્સને પણ સારામાં સારો બિઝનેસમાં લાભ થશે, આ પ્રદર્શનથી એકઝીબીટર્સ અને બાયર્સ બંનેને સારામાં સારા બિઝનેસની આશા

સુરત. વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ર૦, ર૧ અને રર એપ્રિલ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેને દેશભરમાંથી બાયર્સ, ટ્રેડર્સ અને વેપારીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહયો છે. આવતીકાલે સોમવાર, તા. રર એપ્રિલના રોજ છેલ્લાં દિવસે પણ એકઝીબીશન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં પ્રથમ દિવસથી જ બાયર્સનો ધસારો જોવા મળ્યો હતો. આજે રવિવારે તો જાણે બાયર્સ તથા વિઝીટર્સનું માનવ મહેરામણ ઉમટી પડયું હોય તેવી જનમેદની પ્રદર્શનમાં જોવા મળી હતી. ગઇકાલે પ્રથમ દિવસે ૬૭૦૦ જેટલા બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રવિવારે બીજા દિવસે ૭પ૦૦ બાયર્સ મળી બે દિવસમાં કુલ ૧૪ર૦૦ જેટલા વિઝીટર્સે જુદી–જુદી મશીનરી જોવા માટે મુલાકાત લીધી હતી. રવિવારે અદ્યતન એમ્બ્રોઇડરી તેમજ ડિજીટલ પ્રિન્ટીંગ સહિતની મશીનરી જોવા માટે બાયર્સની ભીડ જામી હતી. જેથી એકઝીબીટર્સને પણ બધા બાયર્સ અને વિઝીટર્સને પહોંચી વળવા માટે મુશ્કેલી પડી હતી.

આ બે દિવસ દરમિયાન સુરત અને અમદાવાદ ઉપરાંત દેશના વિવિધ શહેરોમાંથી બાયર્સ પ્રદર્શનમાં આવ્યા હતા, આથી એકઝીબીટર્સને સેંકડો મશીનરીનો ઓર્ડર મળે તેવી સંભાવના છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એમ્બ્રોઇડરી જ નહીં પણ વીવર્સ અને ટ્રેડર્સને પણ સારામાં સારો બિઝનેસમાં લાભ થશે. આ પ્રદર્શનથી એકઝીબીટર્સ અને બાયર્સ બંનેને સારામાં સારા બિઝનેસની આશા જન્મી છે.

આ એકઝીબીશનમાં સુરતની સારામાં સારી બ્રાન્ડ ધરાવતા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. તેઓના દરેક સ્ટોલ પર ટ્‌વીન સિકવન્સ, ટ્‌વીન તેમજ ફોર બીડ્‌સ, મિકસ મશીન અને ૪થી લઇને ૮ સિકવન્સ સુધીની નવી વેરાયટીવાળી એમ્બ્રોઇડરી મશીનરીઓનું પ્રદર્શન થઇ રહયું છે. જેમાં ૧પ૦૦ આરપીએમની હાઇસ્પીડ ધરાવતી મશીનરીઓનો સમાવેશ થાય છે. આ મશીનરી થકી કાપડ ઉપર ફિનીશીંગ ખૂબ જ સારી લઇ શકાય છે. તદુપરાંત સકર્યુલર નિટિંગ મશીનરી અને ગારમેન્ટ બનાવતી અદ્યતન મશીનરી પ્રદર્શનમાં મુકાઇ છે. આ મશીનરી પર બનતા કાપડનો ઉપયોગ રેડીમેડ ગારમેન્ટ, સાડી, ડ્રેસ મટિરિયલ્સ, સ્પોટર્‌સ વેર માટે થાય છે. જેની ભારતમાં તેમજ વિદેશોમાં ઘણી સારી માંગ છે.

ભગવાન શ્રીરામની ફ્રેમ મુલાકાતીઓ માટે આકર્ષણ
સીટમે એક્ષ્પોમાં અદ્યતન એમ્બ્રોઇડરી મશીનરીને પ્રદર્શિત કરનારા ઉદ્યોગકાર દ્વારા ભગવાન શ્રીરામની ફ્રેમ બનાવવામાં આવી રહી છે. કેન્વાસ પર એમ્બ્રોઇડરી વર્કથી શ્રીરામનું ચિત્ર દોરવામાં આવે છે અને તેની વ્યવસ્થિત ફ્રેમ બનાવીને મુલાકાતીઓને આપવામાં આવી રહી છે, જે જોવા માટે અને ભગવાન શ્રીરામની ફ્રેમ લેવા માટે પણ મુલાકાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. આ ઉદ્યોગકારના જણાવ્યા મુજબ, ભગવાન શ્રીરામજીની ફ્રેમ બનાવવા માટે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે અને રૂપિયા પ૧૦૦માં તેઓ આ ફ્રેમ વેચી રહયા છે. જો કે, તેમના સ્ટોલની મુલાકાત લેનારા મુલાકાતીઓને તેઓ કુપન પણ આપી રહયા છે અને સાંજે તેનો ડ્રો થાય છે અને તેમાંથી પાંચ મુલાકાતીઓને વિના મૂલ્યે ભગવાન શ્રીરામજીની ફ્રેમ આપે છે. આવું સુરત ખાતે તેમના દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આની પહેલા દિલ્હી ખાતે આયોજિત એકઝીબીશનમાં ભગવાન શ્રીરામની ફ્રેમ બનાવી મુલાકાતીઓને આપી હતી.