Page Views: 108386

ફાળકે, ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા મહાનતમ ફિલ્મકાર ગુલઝાર

ગુલઝારને ‘સ્લમ ડોગ મિલિયોનેર’ના ‘જય હો’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો

 

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

 

ગુલઝાર એક માનવંત નામ છે, લાગણીનું, પ્રેમનું, દિલને સ્પર્શી જાય એવા કવિ, ગીતકાર, લેખક, નિર્દેશકનું. સંપૂર્ણ સિંઘ કાલરા આજે ૧૮ ઓગસ્ટે ૮૫

વર્ષના થશે. ૧૯૩૪માં હાલના પાકિસ્તાનના પંજાબના જેલમ જિલ્લાના દીના ગામે તેમનો જન્મ. તેઓ તેમના પેન-નેમ ‘ગુલઝાર’થી જ જાણીતા છે. ગુલઝારની કવિતા મુખ્યત્વે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત થઈ છે, ‘ચાંદ પુખરાજ કા’, ‘રાત પશમીને કી’ અને ‘પંદ્રહ પાંચ પચત્તર (૧૫.૫.૭૫)’. તેમની વાર્તાઓના ‘રાવી પાર’ અને ‘ધુઆં’નામે સંગ્રહો છે.

તેમના પ્રદાન માટે ભારત સરકારે ગુલઝારને ૨૦૦૪માં પદ્મભૂષણથી નવાજ્યા હતા. સાહિત્ય અકદામીએ તેમને ૨૦૦૨માં અકાદમી એવોર્ડ આપ્યો હતો. તેમણે સંખ્યાબંધ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ અને ૨૦ ફિલ્મફેર એવોર્ડ્સ મેળવ્યાં છે. ૮૧માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં તેમને ‘સ્લમ ડોગ મિલિયોનેર’ના ‘જય હો’ ગીત માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૦ની ૩૧ જાન્યુઆરીએ એજ ગીત માટે તેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો હતો. ૩ મે, ૨૦૧૪ના રોજ ગુલઝારને દેશનું સર્વોચ્ચ સિને સન્માન ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ એનાયત થયું.

આજના પાકિસ્તાનના દિના ગામમાં કાલરા શીખ પરિવારમાં પિતા માખણ સિંઘ કાલરા અને માતા સુજાન કૌરને ત્યાં ૧૮ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ સંપૂર્ણ સિંઘનો જન્મ થયો હતો. લેખક બનતા પહેલાં તેમણે ઘણાં નાના-નાના કામ કર્યા હતાં. જેમનું એક તેમના ભાઈના ઓટો ગેરેજમાં અકસ્માત થયેલી કારને પેઇન્ટના શેડ વડે ટચ-અપ કરવાનું પણ હતું. તેમના જ શબ્દોમાં, ‘મને રંગોની જાણ પહેલેથી હતી.’ તેમના પિતાને એ નહોતું ગમતું કે સંપૂર્ણ સિંઘ લેખક-કવિ બને. તેમણે કહી દીધેલું, ‘યાદ રાખજે, આખી જિંદગી તારે મોટા ભાઈ પર આધારિત રહીને જીવવું પડશે.’ પણ આપણે ભાગ્યશાળી, કે સંપૂર્ણ સિંઘે પૂર્ણ વિશ્વાસ સાથે કલમ હાથમાં લઇને તેમના ગામને સાથે રાખી ‘ગુલઝાર દીનવી’ નામે લખવાનું શરૂ કર્યું, જે પછી માત્ર ‘ગુલઝાર’ બની રહ્યું.

બિમલ રોય અને હૃષીકેશ મુખર્જી સાથે સહાયક રૂપે ગુલઝારે ફિલ્મ કરિયર શરૂ કરી હતી. તેમના ‘રાવી પાર’ પુસ્તકમાં બિમલદા અને સર્જન પ્રક્રિયાની મુસીબતો અંગે તેમણે લખ્યું છે. ફિલ્મ ‘બંદિની’ના ગીતો શૈલેન્દ્રના અને સંગીત સચિનદેવ બર્મનનું હતું. ગુલઝારે તો બિમલદાને જણાવેલું પણ નહીં કે તેઓ કવિતા લખે છે. સચિનદાના શૈલેન્દ્રને કહેવાથી એક ગીત ગુલઝારનું પણ ફિલ્મમાં સમાવાયું, ‘મોરા ગોરા અંગ લઇ લે.’ આજે પણ ગુલઝારને પૂછાય કે હિન્દી ફ્લ્મોના શ્રેષ્ઠ ગીતકાર કોણ? તો ક્ષણનાય વિલંબ વિના તેઓ કહે છે, ‘શૈલેન્દ્ર’.

ગીતકાર ઉપરાંત તેઓ કથા, પટકથા અને સંવાદ લેખનના માહિર છે. ટેલીવિઝન પરની તેમની શ્રેણી ‘મિર્ઝા ગાલીબ’ અને ‘તહરીર મુનશી પ્રેમચંદ કી’ યાદગાર હતી. દૂરદર્શન માટે લખાયેલી ‘હેલો ઝીંદગી’, ‘પોટલી બાબા કી’ અને ‘જંગલ બુક’ પણ યાદગાર હતી.

ગુલઝારના એવોર્ડ વિજેતા સંબંધો સલીલ ચૌધરી (આનંદ, મેરે અપને), મદન મોહન (મોસમ), તાજેતરમાં વિશાલ ભારદ્વાજ (માચીસ, ઓમકારા, કમીને) તથા એ.આર.રેહમાન સાથે (દિલ સે.., ગુરુ, સ્લમ ડોગ મિલિયોનેર, રા.વન) તથા શંકર-એહસાન-લોય (બંટી ઔર બબલી) સાથે રહ્યાં છે.

ભારત-પાકિસ્તાનના જાણીતા પ્રકાશન ગૃહો દ્વારા બંને દેશો વચ્ચેની શાંતિના પ્રયાસો માટે ‘અમન કી આશા’ નામના કેમ્પેઈન માટે ગુલઝારે એન્થમ લખ્યું છે, ‘નઝર મેં રહો’ જેને શંકર મહાદેવન અને રાહત ફતેહઅલી ખાને ગાયું છે. ગઝલ સમ્રાટ જગજીત સિંઘના આલ્બમ ‘મિર્ઝા ગાલીબ‘, ‘મરાસીમ’ અને ‘કોઈ બાત ચલે’ માટે ગુલઝારે ગઝલો લખી જેને ખુબ સફળતા મળી હતી. ગુલઝાર સૌથી વધુ ૧૧ વાર ‘શ્રેષ્ઠ ગીતકાર’નો અને ૪ વાર ‘શ્રેષ્ઠ સંવાદ લેખન’ના ફિલ્મફેર એવોર્ડ જીતવાનો વિક્રમ ધરાવે છે. તેમને ‘કજરા રે’ અને ‘બીડી જલાઈ લે’ જેવા ગીતો માટે પણ એવોર્ડ મળ્યાં છે.

‘આશીર્વાદ’, ‘આનંદ’, ‘ખામોશી’ અને અન્ય ફિલ્મોની પટકથા-સંવાદ લખ્યાં બાદ ગુલઝારે પોતાની પહેલી ફિલ્મ ‘મેરે અપને’ (૧૯૭૧)નું નિર્દેશન કર્યું હતું. એ તપન સિન્હાની બંગાળી ફિલ્મ ‘અપ્પા જાન’નું રી-મેક હતું. જેની મુખ્ય ભૂમિકા મીના કુમારીએ કરી હતી. પછી તો કોશિશ, પરિચય, અચાનક, મોસમ, ખુશ્બુ, આંધી, કિતાબ, કિનારા, મીરા, નમકીન, અંગુર, ઈજાઝત, લેકિન, માચીસ જેવી ઉત્તમ ફિલ્મો આવી. ગુલઝાર પણ આપણી જેમ હરિ જરીવાલા કહેતાં સંજીવ કુમારના પ્રસંશક છે. આ લખનારને એક મુલાકાતમાં ગુલઝાર સાહેબે નિસાસો નાંખીને કહેલું, ‘પહેલે જૈસી ફિલ્મ કી બાત કહાં, મેરા હરિ નહીં હૈ ન મેરે સાથ.’

ગુલઝારને ‘કોશિશ’ના સ્ક્રીનપ્લે માટે અને ‘મૌસમ’ને શ્રેષ્ઠ બીજા ક્રમની ફિલ્મ રૂપે અને ‘માચીસ’ના નિર્દેશન માટે નેશનલ એવોર્ડ અપાયા હતાં. તેમણે મળેલાં ફિલ્મફેર એવોર્ડસ યાદ કરીએ:‘આનંદ’, ‘નમક હરામ’, ‘માચીસ’ (કથા માટે પણ), ‘સાથીયા’ના સંવાદ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. તે ઉપરાંત ફિલ્મફેરમાં ‘આંધી’ને શ્રેષ્ઠ ફિલ્મનો ક્રિટીક્સ એવોર્ડ, ‘મોસમ’ને માટે શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો. તેમના જે ગીતો માટે શ્રેષ્ઠ ગીતકારના એવોર્ડ્સ તેમને મળ્યાં છે, તેમાં ‘દો દીવાને શહર મેં – ઘરૌંદા’, ‘આનેવાલા પલ – ગોલમાલ’, ‘હજાર રાહેં મૂડ કે દેખી – થોડી સી બેવફાઈ’, તુજસે નારાજ નહીં – માસુમ’, ‘મેરા કુછ સામાન – ઇજાજત’ (નેશનલ એવોર્ડ પણ), ‘યારા સીલીસીલી – લેકિન’ (નેશનલ એવોર્ડ પણ), ‘ચલ છૈયા છૈયા – દિલ સે’, ‘સાથીયા ફિલ્મમાં સાથીયા ગીત માટે’, ‘કજરા રે – બંટી ઔર બબલી’, ‘દિલ તો બચ્ચા હૈ જી– ઈશ્કિયાં’, ‘છલ્લા – જબ તક હૈ જાન’માટે ગુલઝાર સાહેબને શ્રેષ્ઠ ગીતકારના એવોર્ડ્સ મળ્યાં છે.તે ઉપરાંત ‘ઉસ્તાદ અમજદ અલી ખાન’ દસ્તાવેજી ફિલ્મ માટે પણ તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને ૨૦૦૨માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો.

 

ગુલઝારના યાદગાર ગીતો: આનેવાલા પલ – ગોલમાલ, સારે કે સારે ગામા કો લે કે, બીતી ના બિતાઈ રૈના – પરિચય, બોલ રે પપીહરા – ગુડ્ડી, દિલ ઢુંઢતા હૈ રુકે રુકે સે કદમ – મૌસમ, દિલ હુમ-હુમ કરે – રૂદાલી, યારા સીલીસીલી – લેકિન, ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા – દેવતા, હમને દેખી હૈ, તુમ પુકાર લો, વો શામ કુછ અજીબ થી – ખામોશી, હવાઓ પે લીખ દો – દો દુની ચાર, હઝાર રાહે જો મુડ કે દેખી – થોડી સી બેવફાઈ, લકડે કી કાઠી, તુજસે નારાજ નહીં જિદગી – માસુમ, મેરા કુછ સામાન – ઈજાઝત, પિયા બાવરી – ખુબસુરત, તેરે બીના જિંદગી સે, તુમ આ ગયે હો, ઇસ મોડ સે જાતે હૈ – આંધી.