Page Views: 182266

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવા બદલ ધરપકડ

ચૂંટણીની અદાવતમાં મેર ગેંગ રાણાવાવના પૂર્વ નગર પાલિકા પ્રમુખ પર હુમલો કર્યો

કુતિયાણા.21-12-2017

ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પોરબંદરની મેર ગેંગના લીડર કાંધલ જાડેજા અને તેની ટોળકી દ્વારા દાદાગીરી શરૂ કરવામાં આવી છે. આજે સવારે કાંધલ સહિતની મેર ગેંગ રાણાવાવ પહોંચી હતી અને ત્યાં રહેતા રાણાવાવ નગર પાલિકાના માજી પ્રમુખને ધોકા મારીને પોલીસ સ્ટેશન પર ઘસી ગયા હતા. જ્યાં આ મેર ગેંગ દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને આતંક મચાવવામાં આવ્યો હતો. હંગામો મચાવનારા તમામ ગણતરીની મિનીટોમાં જ ભાગી છુટ્યા હતા અને ત્યાર બાદ પોલીસે સમગ્ર રાણાવાવમાં નાકાબંધી કરીને ધારાસભ્ય કાંધલ જાડેજા સહિતના તમામની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કાંધલ જાડેજા સહિત 10 લોકો ધસી આવ્યા હતા અને ચૂંટણીના મનદુઃખમાં રાણાવાવના પૂર્વ નગરપાલિકા પ્રમુખને માર માર્યો હતો, તેમજ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. જેને લઇને રાણાવાવ પોલીસ જ ફરિયાદી બની હતી અને કાંધલ સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જોકે બપોરના અરસામાં કાંધલ જાડેજા સહિત પાંચ લોકોની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.