Page Views: 101130

મહુવા-વાંસદા અને ઉનાઇ પંથકમાં ભૂકંપના હળવા આંચકા-પીએચસી સેન્ટરની પાણીની ટાંકી તૂટી

સામાન્ય આંચકા હોવા છતા તિવ્રતા વધારે અનુભવાતા લોકમાં ભય

સુરત-13-11-2019

સાઉથ ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી વલસાડ,નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો દૌર શરૂ થયો છે. ગઇ રાત્રે વધુ એક વખત મહુવા તાલુકાના અનાવલ ગામ સહિતના વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. મંગળવારે રાત્રે સવા આંઠ વાગ્યાના સુમારે આવેલા ભૂકંપની તિવ્રતા સિસ્મોગ્રાફી યંત્રમાં 2.7 જેટલી નોંધાઇ હતી જ્યારે અન્ય બે આંચકા 2 મેગ્નીટ્યુડ અને 2.1 મેગ્નીટ્યુડના નોંધાયા હોવાનું જાણવા મળે છે. મહુવા ઉપરાંત ઉનાઇ અને વાંસદા તેમજ વલવાડાની આસપાસના ગામોમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ખાસ કરીને વાંસદાના કંડોલપાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની અગાસી ઉપર રાખવામાં આવેલી સિન્ટેક્સની ટાંકી ભૂકંપના આંચકાને કારણે તૂટી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસમોલોજીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવ્યા મુજબ સોમવારે મોડીરાત્રે 2.06 કલાકે હળવો ભૂકંપ હતો. તીવ્રતા માત્ર 1.5 જ હતી. તેનું કેન્દ્રબિંદુ ઉનાઈ અને ડોલવણ હતું. ગત રાત્રીના અને સોમવારના રોજ આવેલા ભૂકંપના હળવા આંચકાઓને કારણે વલસાડ નવસારી જિલ્લાના ગામોના લોકોમાં એક પ્રકારનો ભય ફેલાયો છે અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. કેટલાક લોકો રાત્રીના સમયે ઘરની બહાર રહ્યા હતા તો મધરાત બાદ શાંત વાતાવરણ હોય ત્યારે આવેલા માત્ર 2.7ની તિવ્રતાના ભૂકંપને કારણે લોકોના ઘરની અલમારી પર રાખવામાં આવેલા વાંસણો ખખડવાનો અવાજ પણ સંભળાયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.