Page Views: 16483

રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલા સ્વેચ્છીક રીતે ઉમેદવારી પાછી ખેંચે એવા સંજોગો

ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ગાંધીનગરમાં બેઠક

ગાંધીનગર-વર્તમાન ન્યૂઝ.કોમ

ક્ષત્રિય સમાજના વધી રહેલા વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સ્વેચ્છીક રીતે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માટે તૈયાર થયા હોવાનું કહેવાઇ રહ્યું છે. આ મામલે વિચાર વિમર્શ કરવા માટે ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનોની ગાંધીનગર ખાતે મિટીંગ મળી હતી. આ બેઠકમાં રૂપાલા દ્વારા કરાયેલા નિવેદનોને કારણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ક્ષત્રિય સમાજના મતદારોની નારાજગી ખાળવા માટે રૂપાલાના સ્થાને અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારવાની ચર્ચા વિચારણા થયાનું કહેવાય છે. બીજી તરફ રૂપાલાએ પણ પાર્ટીને ડેમેજ ન થાય અને ક્ષત્રિય સમાજના વિરોધની અસર રાજ્ય તેમજ દેશની અન્ય બેઠકો ઉપર ન થાય તે માટે સ્વેચ્છીક રીતે જ પોતાની દાવેદારી પાછી ખેંચવાની જાણ પાર્ટીના વરિષ્ટ આગેવાનોને કહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જો કે, હાઇ કમાન્ડ આ બાબતે વિચારણાના અંતે નિર્ણય લેવાના મુડમાં છે. જો રૂપાલા ઉમેદવારી પાછી ખેંચી લેશે તો સીધો લાભ તેમના ડમી તરીકે ઉમેદવારી નોંધાવનારા મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે જાહેર થશે. કુંડારીયા કડવા પટેલ સમાજના અગ્રણી છે અને ગત ટર્મમાં રાજકોટ બેઠક પરથી જ સાંસદ હતા. એક બે દિવસમાં આ મામલે ચિત્ર સ્પષ્ટ થઇ જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, રૂપાલની અત્યંત નજીક ગણાતા અગ્રણીઓ રૂપાલાની ઉમેદવારીને લઇને મક્કમ છે તેમજ કોઇ પણ સંજોગોમાં રૂપાલા ઉમેદવારી પાછી ખેંચશે નહીં એવુ જણાવી રહ્યા છે.