Page Views: 26852

આવતી કાલે રથયાત્રાને લઈને શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સાથે ટ્રાફિક મેઇન્ટેઇન કરવા પોલીસ તંત્ર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું

સુરત-13-07-2018

આવતી કાલે  અષાઢી બીજને ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને લઈને સૌ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આવતી કાલની તૈયારીને આજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરતના વિવિધ પાંચ સ્થળો પર થી જગન્નાથજીની પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને વિહાર પર નીકળશે.

ત્યારે આ રથયાત્રાને લઈને શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે આ રથયાત્રાના જે રૂટ પરથી પસાર થશે ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ પોલીસ બંદોબસ્તમાં ૨ જોઈન્ટ સીપી, ૩ ડીસીપી, ૬ એસીપી, ૩૧ પીઆઈ, ૯૯ પીએસાઈ, ૧૨૩૫ હેડ કોન્સ્ટેબલ,કોન્સ્ટેબલ, ૨૩૯ ટીઆરબી જવાનો, ૯૫૦ હોમગાર્ડ સાહિતના પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે ટ્રાફિકને મેઇન્ટેઇન કરવા માટે સુરત પોલીસ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ સર્કલ જતો સરદાર બ્રીજ આવતી કાલે ત્રણ વાગ્યા થી શ્રી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થઇ જાય ત્યાં સુધી ટ્રાફિક સુચારૂ રીતે ચલાવવા માટે લોકો માટે બંધ કરવામાં આવશે. તે સમય દરમ્યાન લોકો ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ સર્કલ તરફ જનાર વાહન ચાલકોએ સરદારબ્રીજની નીચે આવેલ અમુલ પાર્લરથી સ્વામીનારાયણ મંદિર થઇ વિવેકાનંદ બ્રીજ ઉપર જઇ શકશે. તેમજ હોપપુલ તેમજ જિલ્લાની બ્રીજથી પણ રેલ્વે સ્ટેશન તથા ચોક બજાર રાજમાર્ગ થઇને રેલ્વે સ્ટેશન જઇ શકશે. આ ટ્રાફિક રૂટ શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા દરમ્યાન વાહન ચાલકો મોટી સંખ્યામાં ફોર વ્હિલ તેમજ દ્રિ-ચક્રીય વાહનો નીકળે છે, જેના કારણે ટ્રાફિક જામ થાય છે. ટ્રાફિક જામ ન થાય અને વાહન ચાલકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સરળતા રહે તે માટે હંગામી ધોરણે આ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.