Page Views: 550539

એક રત્નકલાકારની પત્ની મોપેડ પરથી પટકાઇને મોતને ભેટી અને હરિકૃષ્ણ ડાયમંડ દ્વારા 6000 હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

સવજીભાઇ ધોળકિયાએ પોતાના તમામ કારીગરોની પત્નીઓને સેફટીનો સંદેશો આપવા સાથે ટ્રાફિક અવેરનેસ માટે ઉત્તમ કાર્ય કર્યું – પોલીસ કમિશનર સતીષ શર્માએ બાઇક રેલીને લીલી ઝંડી બતાવી

સુરત- 16-10-2017

(કિરીટ ત્રિવેદી દ્વારા)

હંમેશા સમાજ માટે કંઇક નવું વિચારતા અને પોતાના સ્ટાફના નાના મોટા તમામ કર્મચારીઓની કાળજી લેવામાં હરિકૃષ્ણ ડાયમંડના સંચાલક સવજીભાઇ ધોળકિયાનું નામ મોખરે આવે છે. તાજેતરમાં જ એક કારીગરની પત્ની મોપેડ પરથી પટકાઇને મોતને ભેટી હતી આ ઘટના બાદ પોતાના કારીગરોની પત્નીઓને પણ સેફટીનો સંદેશો મળી રહે એવા શુભ આશય સાથે આજે કર્મચારીઓની પત્નીઓને હેલમેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

ઇચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક ખાતે આવેલા હરિકૃષ્ણ ડાયમંડમાં કામ કરતા કારીગરોની પત્નીઓને આજે સ્ટડ કંપનીના સ્ટાન્ડર્ડ હેલમેટનું વિતરણ હરિકૃષ્ણ ડાયમંડ પરિવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સતીષ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ 6000 કારીગરોની પત્નીઓને હેલમેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વુમન સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં હેલમેટ વિતરણ બાદ પોલીસ કમિશનર સતીષ શર્મા સહિત એચઆરકેના સંચાલક સવજીભાઇ ધોળકિયા સહિતના અગ્રણીઓ દ્વારા 6000 કારીગરો તેમજ તેમની પત્નીઓની વિશાળ બાઇક રેલીને લીલીઝંડી બતાવી હતી. આ બાઇક રેલી ટ્રાફિકના નિયમોના પાલન અને સલામતીના સંદેશા સાથેના બેનરો સાથે ઇચ્છાપોરથી સરથાણા ખાતે આવેલા હરિકૃષ્ણ ડાયમંડ કેમ્પસ સુધી પહોંચી હતી.

ઃઃઃઃઃ હરિકૃષ્ણ ડાયમંડના તમામ કારીગરોને ફરજીયાત હેલમેટ પહેરી કામ પર આવવાનું હોય છે – સવજીભાઇ ધોળકિયા

જ્યારથી હેલમેટનો કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ હરિકૃષ્ણ ડાયમંડના તમામ કારીગરોને તેમની સલામતી માટે એચઆરકે દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથો સાથ તમામ કારીગરોને ફરજીયાત પણે હેલમેટ પહેરીને જ યુનિટ પર આવવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય પણ જ્યારે હરિકૃષ્ણ ડાયમંડના કારીગરો બાઇક કે મોપેડ પર શહેરમાં નીકલે ત્યારે તેઓ હેલમેટ પહેરીને જ ડ્રાઇવ કરે છે.

ઃઃઃઃ કતારગામમાં રાકેશભાઇના પત્નીનું અકસ્માતે મોત થયું હતું

થોડા સમય પહેલા કતારગામ અનમોલ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી એચઆરકેના કારીગર રાકેશભાઇ વાવડીયા તેમના પત્ની દિપાલીબેન સાથે એક્ટીવા ઉપર પસાર થઇ રહ્યા હતા. રાકેશભાઇએ હેલમેટ પહેરેલુ હતું પરંતુ દિપાલી બહેને હેલમેટ પહેર્યું ન હતું. અચાનક અનમોલ પાર્ક સોસાયટી નજીક એક ખાડામાં રાકેશભાઇની એક્ટીવા ગાડી પડી હતી અને તેઓ તેમજ દિપાલી બેન એક્ટીવા પરથી નીચે પટકાયા હતા. રાકેશભાઇએ હેલમેટ પહેરી હોવાથી તેમને ઇજા થઇ ન હતી પરંતુ દિપાલીબેન ઉછળીને રોડ ડિવાડરમાં અથડાતા તેમને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને તેમનું હેમરેજ થઇ જવાને કારણે કરૂણ મોત થયું હતું. આ ઘટના અંગે સવજીભાઇ ધોળકિયાને જાણ થતા તેમણે ત્યારે જ પોતાના કારીગરોની પત્નીઓ માટે હેલમેટ વિતરણ કરવાનું નક્કી કર્યું હતું અને આજરોજ તેમણે પોતાના તમામ કારીગરોની પત્નીઓને હેલમેટનું વિતરણ કરી ટ્રાફિક અવેરનેસ સહિત સલામતી માટે માર્ગદર્શન આપ્યું હતું.