Page Views: 58446

તારા પ્રથમ ગુરુ માતાપિતાને માનને, જે પ્રથમ સંસાર સાથે પરિચય કરાવે તુજને

જિંદગીના યુદ્ધ સઘળાં જીતી લીધાં, કૃષ્ણ જેવો સારથી શિક્ષક મળે છે

વર્તમાનન્યૂઝ.કોમ- સંકલન – નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

 

ગુરુ વંદના 

ટાંકણાના પ્રેમથી શિક્ષક ઘડે છે; 

દ્વાર અંતર જ્ઞાનના તો ઉઘડે છે.

 

શિક્ષા શિક્ષકની વહે છે આ રગે રગ; 

જિંદગીના હર કદમ પર એ મળે છે.

 

ખૂબ વેઠ્યા છે મેં અગ્નિના પ્રહાર 

જ્ઞાનની આ જ્યોત માટે ઝળહળે છે.

 

જિંદગીના યુદ્ધ સઘળાં જીતી લીધાં,

કૃષ્ણ જેવો સારથી શિક્ષક મળે છે.

:- દિલીપ વી ઘાસવાલા - સુરત

****************************************************************

ગુરુપૂર્ણિમા

શાને શોધે તું સ્થાને સ્થાને,

તું જ તારો સાચો ગુરુ થાને.

 

અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને,

ગુરુ આવે જ્ઞાનરૂપી દિવો લઇને.

 

પાખંડી ગુરુઓ મળશે સ્થાને સ્થાને,

તું શ્રી કૃષ્ણને જ જગતગુરુ માનને.

 

ઈશ્વરને જ તું ગુરુનું સ્થાન આપને,

સારથી થઈ જીતાડશે જિંદગીના જંગને.

 

તારા પ્રથમ ગુરુ માતાપિતાને માનને,

જે પ્રથમ સંસાર સાથે પરિચય કરાવે તુજને.

 

તારા બીજા ગુરુ શાળાના શિક્ષકોને માનને,

જે અક્ષરજ્ઞાન આપે તારી ઉન્નતિમાં રાહ બનીને.

 

 તારા ત્રીજા ગુરુ તું સદગુરૂને માનને,

 કરે સહાય આધ્યાત્મિક ઉન્નતિમાં માર્ગદર્શક થઈને.

 

આ જિંદગીના ભવસાગરમાંથી પાર ઉતારવાને,

ગુરુ જ એકમાત્ર આવશે નાવિક થઈને.

:-ભારતી ભંડેરી, અમદાવાદ.

 (૨૩/૦૭/૨૧)

****************************************************************

મનવા એક ગુરુ બનાવી લે ;

     કરમ ધરમથી જિંદગીને સજાવી લે.

મનવા એક ગુરુ બનાવી લે.

 

પહેલો ગુરુ મા બીજો ગુરુ બાપ ;

વિદ્યા આપે તેને ગુરુ માન આપ .

તારા મનડાને આજ મનાવી લે ,

         મનવા એક ગુરુ બનાવી લે.

 

અંધારેથી અંજવાળા બાજુ લઈ જાશે ;

જીવન આપણું ગુલાબી થઈ જાશે .

તારા મનડાને આજ મનાવી લે ,

            મનવા એક ગુરુ બનાવી લે.

 

અર્જુન, એકલવ્ય કે ઉપમન્યુ થાજે ;

જીવનધન્ય થશે ગીતો ગુરુના ગાજે .

તારા મનડાને આજ મનાવી લે ;

             મનવા એક ગુરુ બનાવી લે.

:- કવિ જલરૂપ - મોરબી

****************************************************************

ગુરુ

માતા ગુરુ પ્રથમ, દ્વિતીય ગુરુ પિતા,

દાદા-દાદી તૃતીય ગુરુ, શિક્ષક ગુરુ ચતુર્થ.

 

માતા ઉદરમાંથી શિશુને આપે સંસ્કાર, ધર્મજ્ઞાન,

ધૈર્ય, સહિષ્ણુતા,આધ્યાત્મિક આચાર વિચાર.

ભજન, હાલરડું ગાઈને, શૂરવીરતાનાં પોષે ગુણ.

લાડ લડાવી આપે વાચાજ્ઞાન, માતા જ ગુરુ અનેક.

                                   

પિતા પા પા પગલી, શીખવે જાલી હાથ,

ખભે બેસાડી દેખાડે દુનિયાદારી કેરા જ્ઞાન,

એમજ ઊંચી ઉડાન ભરવાનો શીખવે પાઠ,

ખુદ ઝઝૂમી શીખવે ગુરુરૂપ પિતા એ સાહસ.

 

વડીલોના આચાર વિચારની છાપ ઊપસે,

દાદા-દાદીની વાર્તાઓ ખીલવે ગુણ અનેક,

સંસ્કારોનું સિંચન કરે, બને પાયો મજબૂત,

ઘર આખું જેનાં ખભે, મોભી ગુરુ સમર્થ.

 

પ્રથમ અક્ષર શીખવે, શિક્ષક પકડી હાથ,

પુસ્તક જ્ઞાનની પિયત, કોયડા ઉકેલે ત્વરિત,

સરળ કરી શીખવે, અટકે ત્યાં ઝાલે હાથ,

મુંઝવણ હટાવે, ઉત્તમ શિક્ષક ગુરુ આદર્શ.

 

અધ્યાત્મ ગુરુ જરૂરી, કરે દૂર અંધકાર,

ધર્મની કેડી ચીંધે, સુલભ કરે સત્યમાર્ગ,

અર્થ, કામ પૂરા કર્યે, ધર્મ, મોક્ષ પ્રયાણ,

મોક્ષના ઝાંખાં માર્ગનું, ગુરુ આપે દર્શન.

 

ના ઉંમર, જાત જોવાય, સારું શીખવે તે ગુરુ,

પુસ્તકથી ના પામીએ, ગુરુમુખી વિદ્યા અનેક.

:- પારૂલ બિપીન નાયક. "શ્યામકૃતિ" અમદાવાદ. ૨૨/૭/'૨૧

****************************************************************

ગુરુ વંદના 

 

પહેલા વંદન માત-પિતાને,

 જન્મ આપી પાળી-પોષી મોટાં કર્યાં.

બીજા વંદન નિશાળના શિક્ષકને,

અક્ષર જ્ઞાન આપી ભણાવ્યા.

ત્રીજા વંદન સદગુરુને,

અજ્ઞાનને દૂર કરી જ્ઞાન આપ્યું.

 ચોથા વંદન શ્રી વલ્લભને,

 પુષ્ટિમાર્ગનો પંથ બતાવ્યો.

 પાંચમા વંદન શ્રી વેદ વ્યાસજીને,

 "કૃષ્ણમ વંદે જગતગુરુમ્"

 

 અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાં જનશલાકયા |

ચક્ષુરુનમિલીતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ||

:- રશ્મિ સંપટ. મુંબઈ.

****************************************************************

ગુરુપૂર્ણિમા

"ગુરુ ગોવિંદ દોનો ખડે,

કિસે લાગુ પાય?

બલિહારી મેરે ગુરૂ કી,

ગોવિંદ દિયો દિખાય."

 

આજે છે ગુરુ પૂર્ણિમા,

ગુરુ દાક્ષિણ્યતાનો અવસર.

 

સૃષ્ટિમાં જન્મતાં જ પ્રથમ ગુરુ

બની મારી માતા.

આપી મને એવી શિક્ષા કે

"ભલે આવે કપરો સમય જીવનમાં,

તો કરજે સામનો તું દ્રઢતાથી.

નદીની જેમ સદાય ખળખળીને,

પામજે તું મંઝિલ સાગર સમી."

જીવન દર્શનના બીજા ગુરુ,

બન્યા મારા પિતા.

"વૃક્ષની જેમ રહેજે અડગ તું,

ઠંડી ગરમી કે તોફાન સહીને પણ,

આપજે તું મીઠા ફળને શીતળતા,

તારા સદ્વ્યહવારથી.

છે ઉપકારી મારા ગુરુદેવ 

ધ્યાનસાધક પૂ. હસમુખમુનિ:

"સૃષ્ટિના દરેક જીવો સાથે રાખજે

તું મૈત્રી ભાવ.

ક્ષમા આપી અને ધરજે,

તું સદાય ક્ષમાભાવ...

સદાય આપજે તું સર્વને શાતા,

તો સદાય મળશે તને,

મૈત્રી, ક્ષમા અને શાતા...શાતા."

"શાતા" ચાહો તો આપો શાતા,

આછે આગમ વાણીનો સાર....

કંડારજે તું તારી હૃદયની તકતી પર

અને મેળવજે તું ઉચ્ચ સ્થાન.

:- નીતા બી. જાટકીયા - સુરત