Page Views: 46565

સુરતમાં 50 અતિ સંવેદનશીલ અને 240 સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત- પોલીસ કમિશનર

શહેરમાં કુલ 4600 અધિકારી કર્મચારીઓનો કાફલો બંદોબસ્ત જાળવશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આવતી કાલે સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર સ્થાનિક પોલીસ ઉપરાંત એસઆરપી જવાનો અને હોમગાર્ડના જવાનોને તહેનાત કરવામાં આવશે. ઉપરાંત શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને શહેરના વરાછા વિસ્તાર અને લિંબાયત-ઉધના વિસ્તારમાં પોલીસની પાસ તેમજ પર પ્રાંતિય લોકોની ગતિ વિધીઓ ઉપર વિશેષ નજર રહેશે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરએ જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 822 મતદાન મથકો પર સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થનાર છે. તે અગાઉ જ તમામ જગ્યાએ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં કુલ 822 મતદાન મથકોમાંથી 50 અતિસંવેદનશીલ અને 240 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યાં છે. આ મતદાન મથકો પર સશસ્ત્ર જવાનો તૈયાત કરવામાં આવ્યાં છે. સાથે જ શહેરમાં 4600 જેટલા અધિકારીઓ અને કર્મચારી જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. શહેરમાં 3 એડિશનલ સીપી અને 8 ડીસીપી, 20 એસીપી અને 50 પીઆઈને ચૂંટણી બંદોબસ્તમાં રોકવામાં આવ્યા હોવાનું કહેતા પોલીસ કમિશનરે ઉમેર્યું કે,4500થી વધુ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં 3841 હોમગાર્ડના જવાનો એસઆરપીએફની 5 કંપની અને 2 કંપની પેરા મીલીટરી ફોર્સની પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસ કમિશનરે કહ્યું કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ પોલીસ દ્વારા 2323 હથિયારો જમા કરી લેવામાં આવ્યાં છે. સાથે જ 73 નાસતા ફરતા આરોપીને પણ પકડીલેવામાં આવ્યાં છે. 9542 લોકો સામે અત્યાર સુધીમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. 74 તડીપારને પણ ઝડપી લઈને 71ને પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણીની કાર્યવાહી દરમિયાન 587 લિસ્ટેડ બુટલેગર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણીને લઈને પોલીસ દ્વારા તમામ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવેલ છે. તમામ સંવેદનશીલ બુથ-બિલ્ડીંગની સીનીયર અધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવેલ છે. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ફ્લેગ માર્ચ કરી કોન્ફીડન્સ બિલ્ડીંગ કરવામાં આવેલ છે.મહોલ્લા મીટીંગો કરી મતદાન સબંધે લોક જાગૃતિ લાવવા તથા મતદાન શાંતિપુર્ણ રીતે થાય તે માટેના આયોજનો કરવામાં આવેલ છે. મતદાન દરમ્યાન કોવીડ-19 ની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે બંદોબસ્તમાં રોકાયેલ તમામ માણસોને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ તમામને માસ્ક અને સેનેટાઇઝર ફાળવવામાં આવેલ છે. તમામ પોલીસ માણસોને ચુંટણી આચાર સંહીતાના પાલન કરવા સબંધે અને મતદાન પ્રક્રીયા અંગે રાખવાની થતી તકેદારી અંગે જરૂરી તાલીમ આપવામાં આવેલ હોવાનું પોલીસ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું. કોઇ પણ પરિસ્થિતિમાં પોલીસ દ્વારા મતદાનની પ્રક્રિયા સુપેરે પાર પડે તેના માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તેમજ શહેર પોલીસ દ્વારા રાજકીય પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોને પણ શાંતિ જાળવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.