Page Views: 134091

પૂણાગામમાં દૂષિત પાણીને કારણે 150ને ઝાડા ઉલ્ટી

લક્ષ્મી પાર્ક અને નેતલ દે સોસાયટીના લોકો સૌથી વધારે ઝપટમાં આવ્યા એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખીને લોકોને પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત

સુરત-14-4-2018

શહેરના પૂણાગામ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું ભંગાણ થયા બાદ પાણીની પાઇપ લાઇનમાં આ પાણી ભળવાને કારણે સંખ્યબંધ લોકોને ઝાડા ઉલ્ટી થઇ ગયા છે. પીવાના દૂષિત પાણીને કારણે વકરેલા રોગચાળાને લઇને મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ પણ દોડતો થઇ ગયો છે અને આ વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખીને લોકોને પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર, શહેરના પુણાગામ મેઇન રોડ ઉપર આવેલી લક્ષ્મી પાર્ક અને નેતલ દે સોસાયટી નજીકથી પસાર થતી  ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થવાને કારણે દૂષિત પાણી પીવાના પાણીની પાઇપ લાઇનમાં મિક્સ થઇ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું આવવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે વરાછા ઝોનના આરોગ્ય વિભાગમાં સ્થાનિક લોકોએ જાણ કરતા તંત્ર દ્વારા ડેમેજ શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તેમને ડ્રેનેજ લાઇન અને પીવાનું પાણી ક્યા સ્થળ પરથી મિક્સ થાય છે તે ફોલ્ટ હાથ લાગ્યો ન હતો. દરમિયાન સતત દુષીત પાણી પીવાને કારણે આજે સવારથી જ પૂણાગામ વિસ્તારની લક્ષ્મી પાર્ક અને નેતલદે પાર્ક સહિત આસપાસના વિસ્તારની સોસાયટીના લોકોને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા હતા. આ અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેટર વિજય પાનશેરીયાનો સંપર્ક કરતા તેમણે મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને આ બનાવ અંગે જાણ કરી હતી. બપોર બાદ આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે કરી અને પીવાના પાણીના સેમ્પલ લેવાની સાથે જેમને પણ ઝાડા ઉલ્ટીની અસર થઇ છે એવા લોકોને પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખીને વધારે અસર ગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાણી વિભાગ અને ડ્રેનેજ વિભાગના સંકલનના અભાવને કારણે પૂણાગામ વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકરી રહ્યો છે અને તંત્રએ તાકીદે લિકેજ રિપેર કરવા સાથે સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.