Page Views: 13418

મોટાભાગના રોગનું કારણ આહાર છે અને આહારથી જ રોગ મટાડી શકાય છે. – અતુલભાઈ શાહ

માનવ શરીર પ્રકૃતિનું જ સર્જન છે તેની અવગણના રોગનું કારણ છે. – કાનજી ભાલાળા

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

તંદુરસ્તી અને સુખાકારીની જાગૃતિ માટે શ્રી સોરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૨-૦૫-૨૦૨૪ ને ગુરુવારે હેપ્પીનેસ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા ૫૯માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ લોકોને આવકારતા જણાવ્યું હતું કે, માનવ શરીર પ્રકૃતિનું સર્જન છે તેની અવગણના જ રોગનું કારણ છે. પ્રકૃતિ એટલે કે, કુદરતની કૃપા નો પાર નથી. પરંતુ, માણસની પણ અબળાઈનો પાર નથી... પરિણામે ખોટી જીવનશૈલી ને કારણે માણસ રોગો, પડકારો અને દુઃખોથી ઘેરાયેલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસના સારા જીવનનો આધાર હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ છે. પરંતુ તેમાં પણ તંદુરસ્તી જ જીવનમાં વધુ મહત્વની ભૂમિકા ભજવે છે. પદ, પ્રતિષ્ઠા કે સમૃદ્ધિ હોય પણ તંદુરસ્તી જ સારી ન હોય તો માણસ ખુશી અનુભવી શકતો નથી, માટે પ્રથમ શરીરની પ્રકૃતિ સમજવી જોઈએ અને પ્રકૃતિના નિયમોને સમજવા જોઈએ. પ્રકૃતિ જીવ માત્રને પોષણ અને ઉર્જા આપે છે, તેને મેળવવામાં માણસ વધુ બેદરકાર થતો જાય છે. લોકોને પોતાની તંદુરસ્તી માટે જાગૃત કરવા મુખ્ય વક્તા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહ સાથે હેલ્થ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

કુદરતી ઉપચારનો જાત અનુભવ કરીને આવેલા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, શરીર જ ખરી સંપતિ છે. તેમાં સમયનું રોકાણ ફાયદામાં છે. તમે ગમે તેટલી સંપતિ કમાણા હશો, પરંતુ શરીરમાં સમયનું રોકાણ કરી કાળજી રાખવામાં નહિ આવેતો સંપતિનો કોઈ અર્થ જ નથી. કેમ જીવવું ? કેમ અને શું ખાવું ? એ બાબત સમજવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માણસ ધારેતો ૧૦૦ વર્ષ જીવી શકે તેમ છે. પરંતુ તેના માટે શરીરની કાળજી રાખવાની જરૂર છે. શરીરમાં ઘર કરી ગયેલા રોગો દૂર થઈ શકે તેમ છે. ઓજસ લાઈફના નિયમો સમજાય જાય તો નિરોગી અને લાંબુ જીવી શકાય તેમ છે. તેમણે અને તેમના પરિવાર તથા મિત્રોએ કુદરતી ઉપચારની શિબિરના અનુભવો જણાવી લોકોને ખરી રીતે જીવવા અનુરોધ કર્યો હતો.

કુદરતી ઉપચાર માટે જાણીતા ઓજસ લાઈફના શ્રી અતુલભાઈ શાહે શરીરની પ્રકૃતિને સમજાવી અને ખોટી રીતે લેવાતા ખોરાકથી થતા રોગ વિશે જાણકારી આપી હતી. નિરોગી રહી શકાય તેમ છે. જીવલેણ રોગને સારા પણ કરી શકાય તેમ છે. તેના માટે શરીરની સફાઈ અને ખાવાની વસ્તુઓમાં અને સમયમાં ફેરફાર કરવો પડે તેમ છે. દરેક જીવમાત્ર નો પ્રકૃતિએ ખોરાક નક્કી કરેલ છે. તેમાં માણસના ખોરાક માટે ફળ અને શાકભાજીનું સર્જન કર્યું છે.