Page Views: 11108

ચેમ્બર ઓફ કોમર્સ અને iNDEXT-a ના સંયુક્ત ઉપક્રમે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સની મિટીંગ યોજાઈ

વર્ષ ૨૦૨૨-૨૩માં એગ્રીકલ્ચર સેક્ટરે ગુજરાતની GDPમાં ૨૦%નો ફાળો આપ્યો હોવાનું જણાવી ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ સુરતથી એક્ષ્પોર્ટ વધારવા એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સને મિશન ૮૪ની સાથે જોડાવા અનુરોધ કર્યો

સુરત: વર્તમાન ન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને iNDEXT-a ના સંયુક્ત ઉપક્રમે ગુરુવારે, તા. ૧૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ બપોરે ૦૨:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે સંકળાયેલા સ્ટેકહોલ્ડર્સની સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં ગુજરાત એગ્રો ઈન્ડ્સ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને iNDEXT-a ના મેનેજિંગ ડાયરેક્ટર ડી.એચ. શાહ (IAS) તથા ગુજરાત સરકારના કૃષી વિભાગના ડિરેક્ટર એસ.જે. સોલંકી અને જોઈન્ટ ડિરેક્ટર કે.વી. પટેલે સ્ટેક હોલ્ડર્સને સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન આપી નવી પોલિસી વિશે તેઓની પાસેથી સૂચનો મેળવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભારતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં કુલ રોકાણમાં ગુજરાતનો હિસ્સો સૌથી મોટો છે.  ગુજરાત ભારતના મગફળી અને કપાસના ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે અને એરંડા તેમજ જીરાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં એગ્રીકલ્ચર સેક્ટરે ગુજરાતની GDPમાં ૨૦%નો ફાળો આપ્યો હતો. ગુજરાતની જમીનના ઉપયોગના પેટર્નની વાત કરવામાં આવે તો તે, કુલ નોંધાયેલા વિસ્તાર ૧૯૬ લાખ હેક્ટરમાંથી વાવણી વિસ્તાર ૫૨.૧%, ઉજ્જડ ૧૩.૮% અને બિનખેતી લાયક જમીન ૯.૮% છે; કલ્ટીવેબલ વેસ્ટ, જંગલ અને બિન કૃષિ ઉપયોગનો વિસ્તાર ૬.૨% છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયના એક જિલ્લો એક ઉત્પાદન અભિયાન હેઠળ સુરતને કેળા આધારિત ઉત્પાદનો, વલસાડને (ચિકૂ) આધારિત ઉત્પાદનો, તાપી - જુવાર આધારિત ઉત્પાદનો, નવસારીને કેરી આધારિત ઉત્પાદનો, નર્મદા અને ભરૂચને કેળા આધારિત ઉત્પાદનોની સાથે વિકસાવવામાં આવ્યા છે.’

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્ટેક હોલ્ડર્સને મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. વડાપ્રધાનના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમજ ભારતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કનહહય ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિઝન હાથ ધર્યું છે અને તેના અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.

 

મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો – વેપારીઓ અને એક્ષ્પોર્ટર્સને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મની સાથે ૧ર હજારથી વધુ બિઝનેસમેનો જોડાઇ ગયા છે. મિશન ૮૪ અંતર્ગત સુરત ઉપરાંત ગુજરાત અને ભારતથી વિશ્વના વિવિધ દેશોમાં રૂપિયા ૮૪,૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ થાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે.

મિશન ૮૪ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૪પથી વધુ દેશોના કોન્સુલ જનરલ, એમ્બેસેડર તથા ઓફિશિયલ્સ સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાતે આવ્યા હતા અને સુરતના ઉદ્યોગકારોને સાથે વન ટુ વન બિઝનેસ મિટીંગો કરી ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ માટેની તકો વિશે જાણકારી આપી હતી.

ગુજરાત એગ્રો ઈન્ડ્સ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને iNDEXT-a ના મેનેજિંગ ડાયરેક્ટર ડી.એચ. શાહ (IAS)એ જણાવ્યું હતું કે, ‘ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે, ફૂડ પ્રોસેસર્સ અને આ ચેનલમાં સંકળાયેલ લોકોને ઉપયોગી થાય તેમજ રાજ્યનો વિકાસ બમણો થાય તેવી પોલિસી અમલી બનાવવી છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ત્યારે જ સ્ટ્રોંગ થઈ શકે છે, જ્યારે તેમાં વેલ્યુ એડિશન અને ક્વોલિટી રહેશે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારત પાસે વિશ્વમાં એક્ષ્પોર્ટ કરવા માટેની તમામ ક્ષમતા છે. ભારત કુલ ઉત્પાદનના અંદાજે ૧૫ થી ૨૦ ટકા ઉત્પાદનને એક્ષ્પોર્ટ કરે છે. હાલમાં વિદેશમાં સો ટકા પ્રોસેસ્ડ ફૂડનું માર્કેટ છે. ગુજરાત આજથી દસ વર્ષ પહેલાં જે પ્રોડક્શન કરતું હતું અને અત્યારે જે પ્રોડક્શન કરે છે. તેમાં ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં તફાવત આવ્યો છે. હાલમાં ગુજરાત હોર્ટિકલ્ચર ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે છે. ગત વર્ષે ગુજરાતે યુ.એસ.માં પ્રથમવાર ૨૦૦ ટન કેરીની નિર્યાત કરી છે. એક કેરીનો નંગ ન્યુયોર્કમાં ૧૩૦૦ રૂપિયાનો વેચાય છે. પ્રોડક્ટની GI ટેગિંગ કરી એક્ષ્પોર્ટ વધારી શકાય છે.’

ગુજરાત સરકારના એગ્રીકલ્ચર વિભાગના ડિરેક્ટર એસ.જે. સોલંકીએ જણાવ્યું હતું કે, ‘આપણો હેતુ ખેડૂતની આર્થિક સ્થિતી સુધારવાનો, આવક બમણી કરવાનો અને જનસંખ્યાને ગુણવત્તાથી પરિપૂર્ણ અન્ન આપવાનો છે. ૬૦ના દાયકા બાદ દેશમાં ઉત્પાદનમાં અનેક ગણા વધારો થયો છે. રાજ્યમાં કમલમ ફળની અને ધરમપુર, ડાંગના વિસ્તારોમાં ઉત્તમ ગુણવત્તાના કાજુનું ઉત્પાદન થાય છે. પ્રોડક્ટના સીધા વેચાણ અને પ્રોસેસિંગ કર્યા પછીના વેચાણના ભાવમાં અને ક્વોલિટીમાં ઘણો તફાવત હોય છે.’

મિટીંગમાં iNDEXT-aના સભ્ય તોનિષા દીક્ષિતે એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઈન ગુજરાત વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, ગ્રૃપ ચેરમેન કમલેશ ગજેરા તેમજ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મિટીંગનું સંચાલન ચેમ્બરની ફૂડ પ્રોસેસિંગ કમિટીના ચેરમેન કે.બી. પિપાલીયાએ કર્યું હતું. મિટીંગમાં સ્ટેક હોલ્ડર્સે સરકારની નવી પોલિસીમાં અમલી કરાય તેવા પગલાંઓ વિશે ચર્ચા કરી હતી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સૂચનો રજૂ કર્યા હતા. iNDEXT-aના સભ્ય પિનલ પટેલે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.