Page Views: 138287

પાંડેસરામાં બાળકી પર બળાત્કાર કમ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ

આખરે સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાનો પોલીસ કમિશનરનો નિર્ણય

સુરત-15-4-2018

શહેરના પાંડેસરા વિસ્તારમાંથી નવ દિવસ પહેલા બાળકીની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ બાળકીનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામાં આવતા તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો જાહેર થઇ છે. બીજી તરફ આ બાળકીના હત્યારાઓ કમ બળાત્કારીઓ સુધી પહોંચવામાં પાંડેસરા પોલીસ નિષ્ફળ રહી છે આખરે પોલીસ કમિશનર દ્વારા પાંડેસરા પોલીસ પાસેથી તપાસ આંચકી લઇ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની જાહેરાત કરવામાં આવી છે. એક માસુમ બાળકીને પીંખી નાંખનારાઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા જાણકારી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે તેમજ સોશ્યલ મિડીયમાં પણ બાળકીની તસવીર વાયરલ કરીને તેના વિશેની વિગતો એકત્ર કરવા માટે પ્રયાસ થઇ રહ્યા છે.

પોલીસ કમિશનર સતીષ શર્માએ આ અંગે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા.6.4.2018ના રોજ શહેરના પાંડસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાંઇ મોહન સોસાયટી પ્રિયંકા ગ્રીન પાર્ક તરફથી સાંઇ મોહન એસએમસી આવાસ તરફ જતા રોડ પર સાંઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા રોડના કિનારા પર એક 11 વર્ષની બાળકીની લાસ મળી આવી હતી. આ અજાણી બાળકીના શરીર ઉપર ઇજાના નિશાન હતા અને પોલીસને આશંકા હતી કે, તેની હત્યા કરવામાં આવી છે જેથી પોલીસે આ અજાણી બાળકીનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં એવી જાણકારી મળી હતી કે, આ બાળકી ઉપર સતત આઠ દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે અને ત્યાર બાદ તેની નિર્દય હત્યા કરીને તેની લાસને ફેંકી દેવામાં આવી છે. આ કેસની તપાસ પાંડેસરાના પી આઇ બી કે ઝાલાને સોંપવામાં આવી હતી જો કે, નવ દિવસની તપાસના અંતે બાળકીનું નામ કે ઓળખ સુધ્ધા પોલીસને મળી શક્યું નથી. આખરે પોલીસ દ્વારા આ બાળકીની ઓળખ મેળવવા માટે અલગ અલગ ત્રણ રાજ્યોમાંથી ગુમ થયેલી બાળકીઓ વિશેની વિગતો એકત્ર કરી છે ઉપરાંત આઠ હજાર જેટલા કેસ સાથે સરખામણી કરવામાં આવી છે.  ભૂતકાળમાં આ પ્રકારના ગુનાઓ આચરી ચુક્યા હોય એવા આરોપીઓની પણ તપાસ શરૂ કરી છે. બાળકી વિશે અથવા હત્યારાઓ વિશે પાંડેસરા પોલીસને જાણકારી આપનારા માટે પોલીસે રૂપિયા 20 હજારના ઇનામની જાહેરાત કરી છે જો કે, તેમ છતા હજુ સુધી બાળકીની ઓળખ થઇ શકી નથી. શહેરમાંથી અન્ય રાજ્યોમાં જતી ટ્રેનોમાં અને વિવિધ પ્લેટફોર્મ ઉપર 1200 જેટલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સાથો સાથ વોટસ એપ અને ફેસબુક જેવા સોશ્યલ મિડીયાનો ઉપયોગ કરીને પણ બાળકીની ઓળખ મેળવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, નવ દિવસની તપાસના અંતે પણ પોલીસને દુષ્કર્મનો ભોગ બનનનારી બાળકીની ઓળખ મળી શકી નથી કે તેના હત્યારાઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આખરે પોલીસ કમિશનર દ્વારા પાંડેસરામાં અજાણી બાળકીની હત્યા કમ બળાત્કારની આ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવામાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવી અને તપાસનો ધમધમાટી શરૂ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા આ બાળકી વિશે અથવા તો તેના હત્યારાઓ વિશે જો કોઇને કોઇ પણ પ્રકારની જાણકારી હોય તો પોલીસને આપવા માટે વિનંતી કરવામાં આવી છે.