Page Views: 25352

HR માં ઇન્વેસ્ટથી રિઝલ્ટ મળશે જ : નિષ્ણાંતો

ઉદ્યોગ સાહસિકોને આધુનિક વ્યવસ્થાપનના રહસ્યોથી અવગત કરાવવા ચેમ્બર દ્વારા ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષે પેનલ ડિસ્કશન યોજાઇ

સુરત.વર્તમાન ન્યૂઝ.કોમ

 વર્તમાન યુગમાં સંસ્થા હોય કે વ્યકિત જે સમયની સાથે તાલમેલ મિલાવવા નવી બાબતો શીખવા માટે તત્પરતા દર્શાવશે તે જ સફળતાના શિખર સર કરશે અને તેનો જ વિકાસ પણ થશે. શીખવાની તૈયારી, ફરીથી શીખવાની તત્પરતા અને આગળ વધવા માટે લીડ લેવી એ આધુનિક મેનેજમેન્ટનો ફંડા છે. આ ફંડાથી ઉદ્યોગ સાહસિકો તેમજ એચ.આર. પ્રોફેશનલ્સને અવગત કરાવવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એચ.આર. એન્ડ ટ્રેઇનીંગ કમિટી દ્વારા સોમવાર, તા. ર૧ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષય ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પેનલ ડિસ્કશનમાં પેનલિસ્ટ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જનરલ મેનેજર (એચ.આર) ઝુબીન તોડીવાલા, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (હેવી એન્જીનિયરીંગ– આઇસી)ના જીએમ એન્ડ હેડ– એચ.આર. એન્ડ ઓ.ઇ. મનિષ ગૌર અને શ્રી રામકૃષ્ણ એકસપોર્ટ્‌સ પ્રા.લિ.ના સીએચસીઓ ડો. નિરવ મંડિરે આધુનિક વ્યવસ્થાપનના રહસ્યો વિષે ઉદ્યોગ સાહસિકો તથા એચ.આર. પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપ્યું હતું.ઝુબીન તોડીવાલાએ જણાવ્યું હતું કે, સંસ્થામાં કર્મચારીઓ દ્વારા ભૂલો થતી હોય છે એ સ્વાભાવિક છે પણ ભૂલ કયા સંજોગોમાં થઇ છે તે મેનેજમેન્ટે તપાસવું જોઇએ. ભૂલ થવા પાછળનું કારણ કર્મચારીની લેથારજી હોય તો એના ઉપર એકશન લઇ શકાય છે. સંસ્થામાં કર્મચારીઓનું ટેલેન્ટ ઓળખવા માટે એન્યુઅલ ટેલેન્ટ રિવ્યુ થવો જોઇએ. કર્મચારીઓ એક સ્ટેપ પરથી બીજા સ્ટેપ પર જઇ શકે તે માટે તેમજ તેઓમાં લીડરશિપના ગુણો કેળવાય તે હેતુથી લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થવા જોઇએ. સંસ્થામાં કર્મચારીઓને આવશ્યક સોફટ સ્કીલ્સ માટે ફેસ્ટીવલ ઓફ ટ્રેઇનીંગનું આયોજન કરી શકાય છે.

ટેકિનકલ ફિલ્ડ વિષે તેમણે કહયું હતું કે કોઇ કર્મચારી સારો ટેકનોક્રેટ હોઇ શકે પણ એ સારો લીડર બની શકે એ જરૂરી નથી. આથી સંસ્થામાં પ૦૦માંથી પ૦ કર્મચારીઓ ભવિષ્યમાં લીડર બની શકતા હોય તો એવા કર્મચારીઓને વિશ્વાસમાં લઇને આગળ વધવા માટે તેઓને પ્રોત્સાહિત કરવા જોઇએ. લર્નિંગ એવી બાબત છે કે વ્યકિત ગમે તે ઊંમર સુધી નવી નવી બાબતો શીખી શકે છે. સંસ્થા અથવા કંપનીમાં એચ.આર. રોકવાથી ચોકકસપણે રિઝલ્ટ મળે જ છે.

મનિષ ગૌરે જણાવ્યું હતું કે, આજનું જનરેશન લાંબા સમય માટે વિચારતું નથી. તે વહેલી તકે ઊંચાઇ પર પહોંચવા માગે છે. આથી સંસ્થાના એચ.આર. અથવા મેનેજમેન્ટ દ્વારા કર્મચારીની કાબેલિયતને ચકાસીને તેને પ્રમોટ કરવા જોઇએ. સંસ્થામાં હાયર પોસ્ટ ઉપર કોઇ કર્મચારી નિવૃત્ત થતા હોય અને સંસ્થામાં જુનિયર પોસ્ટ ઉપર કામ કરતા કર્મચારી એની જગ્યાએ કામગીરી કરવાની ઇચ્છા દર્શાવતો હોય તો એવા કર્મચારીને પ્રમોટ કરવો જોઈએ અને એના માટેની સ્કીલ્સ ડેવલપ કરવા માટે પણ તેને મોકો આપવો જોઇએ. યોગ્ય કર્મચારીને લિડરશિપ માટે પ્રમોટ કરવો જોઇએ.સંસ્થામાં કર્મચારીઓ માટે મેન્ટરીંગ અને કોચિંગ પણ મહત્વનું સાબિત થાય છે. કયારેક પ્રોડકટમાં મુશ્કેલી ઉભી થઇ હોય અને કર્મચારી એને સ્વીકારીને સંસ્થાનું ધ્યાન દોરે છે એ બાબત પણ મહત્વની હોય છે. આથી સંસ્થામાં ટ્રાન્સપરન્સી હોવી જોઇએ. એનાથી કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે વિશ્વાસ કેળવાય છે. વિશ્વાસ હમેશા કન્વર્ઝેશનથી આવે છે. કામ પ્રત્યે ટીમનું કમીટમેન્ટ પણ અગત્યનું હોય છે. સંસ્થા અથવા કંપનીમાં સેલ્ફલેસ મેનરથી કામ થવું જોઇએ.

ડો. નિરવ મંડિરે જણાવ્યું હતું કે, સારા કર્મચારીઓ ઉપર ઇન્વેસ્ટ કરવું જ પડશે અને તેઓને સાથે લઇને ચાલવું પડશે. સંસ્થામાં ર૦ ટકા કર્મચારીઓ એવા હોય છે કે જેઓ સંસ્થાને ૮૦ ટકા ગ્રોથ કરાવે છે, આથી આવા કર્મચારીઓને અન્ય કર્મચારીઓની તુલનામાં અલગ ટ્રિટમેન્ટ આપવી જોઇએ. ઘણી કંપનીઓમાં ૮૦/ર૦નો રેશિયો રહે છે. કર્મચારી વિશ્વાસુ હોય અને તેને વધારે કમાવવું હોય તો તેને વધારે આઉટપુટ આપવું પડશે.

હાલમાં જ વિશ્વની જાણીતી કંપનીઓ દ્વારા કર્મચારીઓની કરવામાં આવેલી છટણી વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં એવી કંપનીઓ છે કે જ્યાં કોવિડ– ૧૯ના સમયે પણ કર્મચારીઓની છટણી કરવામાં આવી નથી અને તેઓના પગારમાં પણ કાપ મુકવામાં આવ્યો નથી. કંપનીનો ગ્રોથ થયો છે તો કંપનીએ કર્મચારીઓના પગારમાં પણ વધારો કર્યો છે. આવી કંપનીઓમાં કર્મચારીઓ નિવૃત્ત થાય ત્યાં સુધી કામ કરવા માટે પ્રેરીત થાય છે અને આવી કંપનીઓ સુરતમાં છે.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ મોડરેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને સવાલ – જવાબ સેશનનું પણ સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન સંજય ગજીવાલા અને એચ.આર. એન્ડ ટ્રેઇનીંગ કમિટીના કો–ચેરમેન બિપીન હિરપરાએ વકતાઓનો પરિચય આપ્યો હતો. એચ.આર. એન્ડ ટ્રેઇનીંગ કમિટીના સભ્ય વિશાલ શાહે પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું. વકતાઓએ વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.