સુરત: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા રત્ન અને જ્વેલરી ક્ષેત્રમાં મહિલાઓને કૌશલ્ય, નેતૃત્વ અને સાહસિકતા માટે પ્રોત્સાહિત કરવા ‘ઉન્નતિ’ પ્રોજેક્ટનો સુરતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરદાર સ્મૃતિ ભવન, વરાછા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.

1,000 મહિલાઓને મેડિકલ કવર
મહિલા રત્નકલાકારોને રૂ.1 લાખ સુધીનું મફત તબીબી વીમા કવચ અને પરિચય કાર્ડ આપવાની જાહેરાત.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની નારીશક્તિમાં ક્ષમતા અને પ્રતિભાની કોઈ કમી નથી. મહિલાઓમાં રહેલી કામ કરવાની બારીકાઈ અને એકાગ્રતાને કારણે ઉદ્યોગોમાં તેમની ભાગીદારી વધારવી જરૂરી છે. GJEPC દ્વારા સુરતથી શરૂ કરાયેલી ‘ઉન્નતિ’ પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

હીરા ઉદ્યોગે લાખો પરિવારોને આજીવિકા પૂરી પાડવામાં અને તેમના સામાજિક ઉત્થાનમાં મહત્વનું યોગદાન આપ્યું હોવાનું સંઘવીએ જણાવ્યું હતું. હીરા ઉદ્યોગમાં મંદી-તેજીના સમયગાળા દરમિયાન પણ વેપારીઓએ કારીગરો અને તેમના પરિવારોની ચિંતા કરી હોવાનું તેમણે કહ્યું હતું. કોરોના સહિતની આપત્તિઓ દરમિયાન ઉદ્યોગના આગેવાનો કારીગરોની પડખે ઊભા રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય તાલીમ
આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને તાલીમ આપી રોજગારી સાથે જોડવા વધુ નારીલક્ષી યોજનાઓ અમલમાં મૂકવાનો સરકારનો સંકલ્પ.

સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો બાદ હવે પલસાણાથી સોનગઢ સુધીના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ કારખાનાં તથા રોજગારીની તકો વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે. મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર વધુ નારીલક્ષી યોજનાઓ અમલમાં મૂકશે.

GJEPC સહિતના ઉદ્યોગ મંડળોના અભિગમને બિરદાવતાં તેમણે રાજ્ય સરકાર હીરા ઉદ્યોગ તથા મહિલાલક્ષી નવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સહયોગ આપવા તત્પર હોવાનું જણાવ્યું હતું. ‘ઉન્નતિ’ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનમાં નારીશક્તિને કેન્દ્રસ્થાને રાખવાની દિશામાં મહત્વની પહેલ હોવાનું તેમણે જણાવ્યું હતું. 1,000 મહિલાઓથી શરૂ થયેલું આ મિશન આગામી વર્ષોમાં 10,000થી વધુ મહિલાઓ સુધી પહોંચે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ મહિલા સાહસિકોને નવા વ્યવસાય શરૂ કરવા આગળ આવવા અપીલ કરી હતી. જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં મહિલાઓ માટે મોટી તકો હોવાનું જણાવી તેમણે આ ક્ષેત્રમાં વધુ મહિલાઓ જોડાય, નેતૃત્વ સંભાળે અને રોજગારીનું સર્જન કરે તેવો અનુરોધ કર્યો હતો.

GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે વર્ષ 2040 સુધીમાં ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નિકાસને 100 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યમાં મહિલાઓની ભાગીદારી મહત્વની રહેશે.

200થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ
પ્રથમ તબક્કામાં CAD, ડાયમંડ પ્લાનિંગ, પોલિશિંગ અને રિટેલ સેલ્સ જેવા કોર્સમાં 200થી વધુ મહિલાઓની નોંધણી કરાશે.

કિરીટ ભણસાલીએ ‘રત્નકલાકાર પરિચય કાર્ડ’ યોજના હેઠળ 1,000 મહિલા રત્નકલાકારોને રૂ.1 લાખ સુધીનું મફત તબીબી વીમા કવચ અને પરિચય કાર્ડ આપવાની જાહેરાત કરી હતી. ‘ઉન્નતિ’ના પ્રથમ તબક્કામાં 200થી વધુ મહિલાઓને જ્વેલરી ડિઝાઇનિંગ (CAD), ડાયમંડ પ્લાનિંગ, પોલિશિંગ અને રિટેલ સેલ્સ સહિતના વિવિધ કૌશલ્યવર્ધક અભ્યાસક્રમોમાં જોડવામાં આવશે.

કાર્યક્રમમાં GJEPCના રિજનલ ચેરમેન જયંતીભાઈ સાવલિયા, પ્રમોશન્સ એન્ડ માર્કેટિંગના કન્વીનર આશિષ બોરડા, કન્વીનર અનિલ વિરાણી, અગ્રણી ઉદ્યોગપતિ સેવંતીભાઈ શાહ, મુકેશભાઈ પટેલ, GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રોય, WICCI સુરત ચેપ્ટરના પ્રમુખ ફોરમ મરફતિયા, પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી સહિત 1,100થી વધુ મહિલા ઉદ્યમીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ ‘ઉન્નતિ એવોર્ડ્સ’નું વિતરણ

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કંપનીઓ અને પ્રતિભાશાળી મહિલાઓને પ્રથમ ‘ઉન્નતિ એવોર્ડ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડિઝાઇનિંગ, આર્ટિઝન અને બિઝનેસ લીડરશિપ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર મહિલા એચિવર્સને મેમેન્ટો અને પ્રમાણપત્રો આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ 50 જેટલી કંપનીઓ દ્વારા નામાંકિત મહિલા કર્મચારીઓને તેમની કૌશલ્યસભર સેવાઓ બદલ મંચ પરથી સન્માનિત કરાયા હતા.