સુરત: દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ રહેલી ટ્રાન્સમિશન લાઇન અને પાવર ટાવર માટે જમીન, પાક અને ઝાડના વળતર અંગેની નવી માર્ગદર્શિકા પરિપત્રને લઈને અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક ઓલપાડ તાલુકાના આંધી ગામે યોજાઈ હતી. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા 4 ઑક્ટોબરે સાંજે 5 વાગ્યે યોજાયેલી બેઠકમાં સુરત અને ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો એકત્ર થયા હતા. બેઠકમાં સરકારના પરિપત્ર અને વીજ ટાવર સંબંધિત હુકમો સામે આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
12મીએ કલેક્ટર કચેરીએ રજૂઆત
ઓલપાડ તાલુકાના બે-ત્રણ ગામના હુકમો રદ કરવાની માંગ સાથે ખેડૂતો મોટી સંખ્યામાં પહોંચશે.
બેઠકમાં ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 4 જૂન 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નવા સંકલિત માર્ગદર્શિકા પરિપત્ર અંગે ચર્ચા થઈ હતી. ખેડૂતો તરફથી માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના યોગ્ય રીતે ન થઈ રહી હોવાની બાબત રજૂ કરવામાં આવી હતી. સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળ્યા વિના ધી ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ-1885 હેઠળ હુકમો કરવામાં આવી રહ્યા હોવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.
MRCની રચના અંગે પણ સવાલ
અસરગ્રસ્ત ખેડૂતોને સાંભળીને યોગ્ય અને પારદર્શક રીતે MRCની રચના કરવાની માંગ કરાઈ.
બેઠકમાં જમીન, પાક અને ઝાડને થતી નુકસાનીના વળતરનું ન્યાયી અને પારદર્શક નિર્ધારણ થાય તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોને સાંભળ્યા વિના કોઈપણ હુકમ ન કરવામાં આવે અને MRCની રચના યોગ્ય રીતે કરવામાં આવે તે અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
આ ઉપરાંત આગામી 12 ઑક્ટોબરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને ઓલપાડ તાલુકાના બે-ત્રણ ગામ માટે થયેલા હુકમો રદ કરવાની રજૂઆત કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ઓલપાડમાં સત્યાગ્રહ છાવણીનું એલાન
પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો નેશનલ હાઈવે-48 અથવા એક્સપ્રેસ હાઈવે પર પ્રતિકાત્મક ચક્કાજામની ચેતવણી.
બેઠકમાં આગામી દિવસોમાં ઓલપાડ તાલુકામાં ‘સત્યાગ્રહ છાવણી’ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પ્રતિકાત્મક રીતે નેશનલ હાઈવે નંબર-48 અથવા એક્સપ્રેસ હાઈવે બ્લોક કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
બેઠકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા ખેડૂત સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના માજી ડિરેક્ટર જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના ખેડૂત તથા સહકારી આગેવાન સંદીપભાઈ માગરોલા સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.