સુરત: સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે રવિવારે ‘GCAU વંદે આયુકોન-3’નું આયોજન થયું હતું. ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સહયોગથી યોજાયેલી આ એક દિવસીય રાજ્યકક્ષાની પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આયુર્વેદ અને યુનાની ક્ષેત્રના 1200થી વધુ તબીબો એક છત નીચે એકત્ર થયા હતા.
કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આયુર્વેદને ભારતની સમૃદ્ધ અને પ્રાચીન ધરોહર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદે સમગ્ર વિશ્વને સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીની દિશા આપી છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ લોકોનો આયુર્વેદ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે. ઋષિ-મુનિઓ પાસેથી મળેલા આ વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વભરમાં પહોંચાડવામાં આયુર્વેદ તબીબોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
1200થી વધુ તબીબો એક મંચ પર
દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આયુર્વેદ અને યુનાની તબીબોની આટલી મોટી ઉપસ્થિતિ નોંધાઈ.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચેમ્બર ઓફ કોમર્સની કામગીરીની પ્રશંસા કરતાં આયુર્વેદને દવાખાનાથી આગળ વધારીને દરેક ઘરના રસોડા સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એલોપેથીમાં એન્ટિબાયોટિક્સના અતિશય ઉપયોગથી બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ થવાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત જણાવી હતી.
કુદરતી ખેતી પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે દરેક પરિવારને ઝેરમુક્ત અનાજ અને શાકભાજી પૂરાં પાડતો ‘ફેમિલી ફાર્મર’ હશે તો ભવિષ્યમાં ‘ફેમિલી ડોક્ટર’ની જરૂર નહીં પડે. સાથે જ AIના વિવેકપૂર્ણ ઉપયોગ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુરતના કામરેજ ખાતે 1500 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ટૂંક સમયમાં તૈયાર થશે.
‘ફેમિલી ફાર્મર’ પર ભાર
ઝેરમુક્ત અનાજ-શાકભાજી અને કુદરતી ખેતીને સ્વાસ્થ્ય સાથે જોડવાનો આરોગ્ય મંત્રીનો સંદેશ.
આયુર્વેદમાં પણ સુરતને અગ્રેસર બનાવવાનું આહ્વાન
ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે આયુર્વેદ માત્ર પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ નહીં, પરંતુ કુદરત સાથે જોડાયેલી ભારતની સમૃદ્ધ ધરોહર છે. તેમણે ટેક્સટાઇલ અને ડાયમંડ ક્ષેત્ર બાદ ITની દિશામાં આગળ વધી રહેલા સુરતને આયુર્વેદ ક્ષેત્રે પણ દેશ અને દુનિયામાં નંબર વન બનાવવાનો સંકલ્પ કરવા તબીબોને આહ્વાન કર્યું હતું. સાથે જ આયુષ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાવા માટે તેમણે ઉપસ્થિત તબીબોને અપીલ કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત કાઉન્સિલના પ્રમુખ ડો. જિજ્ઞેશ યુ. પટેલે સ્વાગત સંબોધન કર્યું હતું અને કાઉન્સિલની વિવિધ પ્રવૃત્તિઓ તથા આયોજનની રૂપરેખા રજૂ કરી હતી.
‘આયુ એક્સ્પો’નું કર્ટેન રેઇઝર લોન્ચ
આગામી આયુ એક્સ્પોના કર્ટેન રેઇઝરનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોન્ચિંગ કરાયું.
આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના આયુર્વેદિક મેન્યુફેક્ચરિંગ, વેલનેસ પ્રોડક્ટ્સ અને આયુષ ઇકોસિસ્ટમને વૈશ્વિક બજાર સાથે જોડવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી સમયમાં યોજાનારા ‘આયુ એક્સ્પો’ના કર્ટેન રેઇઝરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
પરિષદમાં ધારાસભ્ય મનુભાઈ પટેલ, SGCCIના ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈ, માનદ્ મંત્રી પરેશભાઈ લાઠીયા, માનદ્ ખજાનચી અતુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. NCISMના એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશન બોર્ડના પ્રમુખ ડો. સુશ્રુત કનૌજીયા, MARBISMના પ્રમુખ ડો. મુકુલ પટેલ, ગુજરાત આયુષ નિયામક ડો. જયેશ પરમાર સહિત 1200થી વધુ તબીબોએ ભાગ લીધો હતો. દિવસ દરમિયાન યોજાયેલા CME સત્રો અને સ્પોટ રજિસ્ટ્રેશન રિન્યુઅલ સુવિધાનો પણ તબીબોએ લાભ લીધો હતો.